ધ્રાંગધ્રાની બે દુકાનોમાંથી નશીલી સીરપની 44 બોટલ ઝડપાઈ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રાની બે દુકાનોમાંથી નશીલી સીરપની 44 બોટલ ઝડપાઈ 1 - image


- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર સફાળું જાગ્યું

- નમુનાઓ એફએસએલમાં મોકલ્યા, બે મહિના પહેલાં પણ રૂ. 21.19 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો

સુરેન્દ્રનગર : તાજેતરમાં ખેડા જિલ્લામાં કથીત નશીલી સીરપના સેવન બાદ પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. જે બનાવ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશાયુક્ત કેફી પીણુ તથા સીરપનું વેચાણ અને કારોબાર અટકાવવા અલગ-અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી ગેરકાયદેસર નશીલી સીરપનો જથ્થો ઝડપી પાડયો હતો અને નમુના લઈ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આયુર્વેદિક સીરપ વેચતા શખ્સો, કરિયાણાની દુકાનો, આયુર્વેદિક સીરપના ગોડાઉન, મેડીકલ સ્ટોર સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

જેમાં ધ્રાંગધ્રાની એનેક્ષી સોડા શોપ નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી સીરપની રૂ.૫,૭૦૦ની કિંમતની ૩૮ બોટલો તેમજ હુશેની પાનની દુકાનમાંથી નશીલી સીરપની રૂ.૯,૦૦૦ની કિંમતની ૬ બોટલ મળી કુલ રૂા.૬,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ સીરપના નમુના લઈ વધુ તપાસ અર્થે એફએસએલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવી હતી.

જ્યારે અગાઉ બે મહિના પહેલા પણ નશીલી સીરપના વેચાણ અંગેની ડ્રાઈવ દરમિયાન શહેરના દાળમીલ રોડ પર આવેલા રૂદ્ર હેલ્થ કેર, રતનપરમાં આવેલા મનવીર આયુર્વેદિક સ્ટોર, નવા જંકશન પાસે આવેલ માંડવરાયજી પાન, માળોદ ગામે આવેલ ખોડીયાર પાન, થાન ખાતે આવેલ ચાવડા પાન, પતરાવાળી પાસે આવેલ મીરા પાન પાર્લર સહિતની દુકાનોમાંથી રૂા.૨૧.૧૯ લાખની કિંમતનો ૧૪,૯૭૯ બોટલ મુદ્દામાલ કબજે કર્યો હતો.

 જ્યારે ઝડપાયેલા નશીલી સીરપોમાં સુનીદ્રા, સ્ટોન અરીષ્ઠા, આસવ અરીષ્ઠા, ગેરેગેમ, હર્બી ગોલ્ડ, સ્ટોનોહેલ, સ્ટોનહીલ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાએ બેઠક યોજી હતી અને આગામી દિવસોમાં નશીલી સીરપ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમ જણાવી આજની યુવા પેઢીને નશીલી સીરપથી આરોગ્યને થતાં નુકશાન અંગે સાવચેત કર્યા હતા અને નશીલી સીરપનું વેચાણ ક્યાંય પણ જણાઈ આવે તો પોલીસનો તાત્કાલીક સંપર્ક કરવા અપીલ કરી હતી.


Google NewsGoogle News