રાજકોટના વેપારી સાથે 40 લાખની ઠગાઇ, બે આરોપીઓ સામે ફરિયાદ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
રાજકોટના વેપારી સાથે 40 લાખની ઠગાઇ, બે આરોપીઓ સામે ફરિયાદ 1 - image


- સિદ્ધસરના બે ગઠિયા ચિલ્ડ્રન બેંકની નોટો પધરાવી ગયા

- 50 લાખની બે હજારની નોટની સામે 40 લાખની 500 રૂપિયાની નોટ આપવાની લાલચ આપી હતી

સાયલા : રાજકોટના શખ્સને રૂા.૫૦૦ ની નોટના ૪૦ લાખના બદલામાં બે હજારની નોટના રૂા.૫૦ લાખ મેળવવાની લાલચમાં રાજકોટના વેપારી સાથે સિધ્ધસર ગામના બે શખ્સોએ રૂા.૪૦ લાખની છેતરપીંડી કર્યા અંગેની ફરીયાદ સાયલા પોલીસ મથકે નોંધાતા સાયલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

સરકાર દ્વારા રૂા.૨,૦૦૦ની ચલણી નોટ બંધ કરવામાં આવી છે અને આગામી ૩૦ તારીખ સુધીમાં બે હજારની ચલણી નોટ બેંકમાં જમા કરાવી શકાય તેવો પરિપત્ર પણ બહાર પાડયો છે. ત્યારે ૨,૦૦૦ની ચલણી નોટના નામે સિધ્ધસરના શખ્સે રાજકોટના વેપારીને રૂા.૪૦ લાખનો ચુનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી છે .

આ બનાવ અંગે સાયલા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ રાજકોટના આનંદનગરમાં રહેતા અને લોખંડનો વેપાર કરતા ગૌતમભાઇ બટુકભાઇ ચૌહાણને તેમના મિત્રએ જણાવ્યું હતું કે એક પાર્ટી પાસે રૂા.૨,૦૦૦ની પુષ્કળ નોટ છે અને બદલાવાની છે આથી આર્થિક ફાયદો થવાની લાલચમાં આવી ગૌતમભાઇ અને તેના મિત્ર થકી સિધ્ધસરના અનિરૂધ્ધસિંહ નામના શખ્સ સાથે ફોનમાં વાતચીત થઇ હતી.  ત્યાર બાદ સાયલા માર્કેટિંગ યાર્ડ પાસે રૂબરૂ બેઠક કરી અનિરૂધ્ધસિંહે રૂા.૫૦૦ ની ૪૦ લાખની ચલણી નોટ સામે ૨૦ ટકા કમિશન આપવાની લાલચ આપી હતી અને ૪૦ લાખ સામે રૂા.૨,૦૦૦ના દરના ૫૦ લાખ આપવાનું કહ્યું હતું. જ્યારે ગૌતમભાઇને વેપારમાં પણ ઘણું નુકસાન ગયું હોય તેઓ આ લાલચમાં આવી ગયાં હતા અને રૂા.૫૦ લાખની ૨૦૦૦ની નોટ સામે રૂપિયા ૪૦ લાખની ૫૦૦ ની ચલણી નોટ દેવા તૈયાર થઇ ગયાં હતાં અને મિત્રો ધુ્રવરાજસિંહ જાડેજા, થાનના સહદેવસિંહ ઝાલા સાયલા આવ્યા હતાં. જ્યાં અનિરૂધ્ધસિંહ સાથે વાતચીત કરી રૂપિયા મંગાવી લેવાનું જણાવતા રાજકોટથી આંગડીયામાં રૂપિયા મંગાવી લીધા હતાં અને સાયલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક પાસે રૂપિયા દેવા બોલાવતા ગૌતમભાઇ ત્યાં રૂપિયા દેવા ગયાં હતાં. જ્યાં નંબર વગરની કારમાં અનિરૂધ્ધસિંહ તથા એક અજાણ્યો વ્યક્તિએ રૂા. ૫૦૦ ના દરની નોટના કુલ ૪૦ લાખ અનિરૂધ્ધસિંહને આપ્યા હતા ત્યાર બાદ અનિરૂધ્ધસિંહે કારમાં તેમના પગ પાસે રહેલ બોક્ષમાં રહેલ રૂા.બે હજારની નોટનાં બંડલ બતાવી આ ૧ કરોડ રૂપિયા છે જેમાંથી ૫૦ લાખ અલગ કરીને રાખ્યા હોવાનું જણાવી અલગ બંડલ પ્લાસ્ટીકમાં વિંટાળી આપી જતા રહ્યાં હતાં.  ત્યાર બાદ ગૌતમભાઇ તથા ધુ્રવરાજસિંહ રાજકોટ જવા નિકળી ગયા હતા અને આગળ જઈ પ્લાસ્ટિક ખોલી બંડલ ચેક કરતા તમામ બે હજારની નોટ ચિલ્ડ્રન બેંકની ડુપ્લિકેટ નોટ હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો ખ્યાલ આવતા પરત સાયલા સર્કલ પાસે આવ્યા હતાં પરંતુ છેતરપીંડી આચરનાર અનિરૂધ્ધસિંહ મળી આવ્યા નહોતા અને તેમનો મોબાઈલ પણ બંધ આવતો હતો. આથી આ બનાવ અંગે ગૌતમભાઇએ  રૂા. ૪૦ લાખની છેતરપીંડી અંગે અનિરુદ્ધસિંહ તેમજ અજાણ્યા શખ્સ સહીત કુલ બે વ્યક્તિઓ સામે સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા સાયલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News