થાનના વીજળીયા ગામે 4 વ્યક્તિઓને માર મારતા ઈજા
- ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
- ઝઘડામાં બચાવવા ગયેલા વ્યક્તિને લોખંડના પાઈપ અને પથ્થરના ઘા માર્યા
સુરેન્દ્રનગર : થાન તાલુકાના વીજળીયા ગામે કૌટુંબિક ભાઇને ત્રણ શખ્સો માર મારતા હોવાથી બચાવવા ગયેલા ભાઇ તેમજ અન્ય ૩ શખ્સોને ૪ શખ્સોએ લોખંડના પાઇપ તેમજ પથ્થરોના છુટ્ટા ઘા મારી ઇજાઓ પહોંચાડયા અંગેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વીજળીયા ગામે રહેતા દિનેશભાઇ જેરામભાઇ ગાંગડીયાને ૩ શખ્સો ઢીકાપાટુનો માર મારતા હતા. તે દરમિયાન દિનેશભાઇના ભાઇ સુરેશભાઇ ધીરૂભાઇ ગાંગડીયા ત્યાં આવી પહોંચતા તેમણે દિનેશભાઇને બચાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ વડે સુરેશભાઈને માર માર્યો હતો.
જેને લઇને લોકોમા ટોળા એકઠા થતાં ત્રણેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત સુરેશભાઇને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન મોરથળા ગામના નવઘણભાઇ ત્યાં બાઇક લઇને આવ્યા હતા અને ભીમાભાઇ ભલાભાઇ સારદીયા, દિનેશભાઇ જેરામભાઇ ગાંગડીયા અને ધવલ ધીરૂભાઇ વાઘેલાને પથ્થરોના છુટ્ટા ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી.
આથી આ બનાવ અંગે સુરેશભાઈ ગાંગડીયાએ સામંતભાઇ ચતુરભાઇ ઝાલા, પરમેશભાઇ હકાભાઇ ઝાલા, વિક્રમભાઇ વાલજીભાઇ ઝાલા અને નવઘણભાઇ વેરશીભાઇ દેગામા વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.