ઝીંઝુવાડા પોલીસ પર હુમલાના બનાવમાં વધુ ૪ શખ્સો ઝડપાયા
- મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- ઝડપાયેલા ચાર શખ્સો પૈકી એક શખ્સ સગીર હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ઝીંઝુવાડા પીએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલાના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી છે. અગાઉ આ બનાવના સાત આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે, ત્યારે પોલીસે એક સગીર સહીત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ કે.વી.ડાંગર અને બે કોન્સ્ટેબલ પર નાસતા ફરતા બુટલેગરો જાલમસિંહ ઝાલા અને તેના સાગરીતો દ્વારા છરી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ૨૬ વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ૪૦ થી ૫૦ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. જેમાં અગાઉ હુમલાના ૭ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને રાજકોટ જેલ હવાલે કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
જેમાં એક સગીર તેમજ અન્ય ૩ આરોપીઓ સહિત વધુ ૪ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં અનોપસિંહ ઉર્ફે બકો કનુભા ઝાલા, ભરતસિંહ ઉર્ફે જરી દિલીપસિંહ ઝાલા અને મુકેશભાઈ ધારશીભાઈ સાતુના (તમામ રહે.ઝીંઝુવાડા)નો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. જો કે હજુ પણ મુખ્ય આરોપી જાલમસિંહ ઝાલા પોલીસ પકડથી બહાર છે. જેને ઝડપી પાડવા હાલ પોલીસે હાઈવે પરના સીસીટીવી તેમજ શકમંદોની પુછપરછ અને ટેકનીકલ સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે.