સુરેન્દ્રનગર જિલ્લામાં 11 મહિનામાં ગેરકાયદે ખનીજ ખનનના 397 કેસ નોંધાયા
- ખાણ ખનીજ વિભાગે 8.49 કરોડનો દંડ વસૂલ્યો
- દંડનીય કાર્યવાહી કરવા છતાં ખનીજનું મોટા પાયે ખનન થતું હોવાની ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં થાન, મુળી અને સાયલા સહિતના વિસ્તારમાં ખનીજના ગેરકાયદે ખોદકામને લઇને તંત્ર દ્વારા વારંવાર દરોડા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનનના કુલ ૩૯૭ કેસ કરવામાં આવ્યા છે. જેમાંથી રૂપિયા ૮.૪૯ કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ, રેતી, બ્લેક સ્ટોન, સફેદ માટી સહિતના ખનીજનો વિપુલ પ્રમાણમાં ભંડાર આવેલો છે. જેને લઇને ખનીજ માફિયાઓ ગેરકાયદે ખનીજ ખનન કરે છે. થાન અને મુળી પંથકમાં કાર્બોસેલ અને સાયલા પંથકમાં કાર્બોસેલ તથા બ્લેક સ્ટોનનું મોટાપાયે ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદે ખનન પર વારંવાર દરોડા કરવામાં આવી રહ્યાં છે. સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ દ્વારા એપ્રિલ ૨૦૨૩થી ફેબુ્રઆરી ૨૦૨૪ સુધી એમ ૧૧ માસમાં જિલ્લામાં ગેરકાયદે ખનનના કુલ ૩૯૭ કેસ અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા છે.
તેમ છતાં હજુ પણ અનેક જગ્યાએ કાર્બોસેલ, બ્લેકટ્રેપ અને રેતીનું મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો ઉઠે છે. સ્થાનિક તંત્ર અને પોલીસની રહેમ નજર હેઠળ ખનીજ માફિયાઓને કોઇનો ડર ન હોય તેવો આક્ષેપ જિલ્લાવાસીઓમાંથી ઉઠી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા છેલ્લા ૧૧ માસમાં દરોડા કરી કરોડો રૂપિયાની ખનીજચોરી ઝડપી પાડવામાં આવી છે. ત્યારે આ દરોડામાં ગેરકાયદે ખનન ઉપરાંત ૧૭ જેટલા કેસમાં અલગથી પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેમાં ગેરકાયદે ખનન કરતા શખ્સો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જિલ્લામાં થયેલા કેસો મુજબ દરરોજ ગેરકાયદે ખનીજ ખનના સરેરાશ ૧ કેસ નોંધાતા હોવાથી ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.