35,676 નવા યુવા મતદારો પણ પ્રથમ વખત મતદાન કરશે

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
35,676 નવા યુવા મતદારો પણ પ્રથમ વખત મતદાન કરશે 1 - image


સુરેન્દ્રનગરમાં 20.26 લાખ મતદારો નોંધાયા 

85 વર્ષથી વધુ અને દિવ્યાંગ સહિત 15,731 મતદારો, 2,136 મતદાન મથકો પર તા.૭ મેના રોજ મતદાન યોજાશે

સુરેન્દ્રનગર : કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચુંટણી જાહેર થતાં જ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચુંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા ચુંટણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ જીલ્લામાં ચુંટણી જાહેર થતાં જ આદર્શ આચરસંહિતાનો અમલ થાય તે માટે સબંધીત અધિકારીઓને કડક સુચનાઓ આપવામાં આવી હતી.

રાજ્યની લોકસભાની ૨૬ બેઠકો પર ચુંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કામાં એટલે કે તા.૦૭ મે ના રોજ ચુંટણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી કે.સી.સંપટે ચુંટણલક્ષી મહત્વની જાણકારી તેમજ આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવા જે તે વિભાગના અધિકારીઓને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ચુંટણી ખર્ચ, હેલ્પલાઈન નંબરો, ટોલ ફ્રી નંબર, કંન્ટ્રોલ રૂમ, ઈસીઆઈની ગાઈડલાઈન, ચેકપોસ્ટ, નોડલ અધિકારી, મતદાન મથકો, સંવેદનશીલ મતદાન મથકો, મતદાન સ્ટાફ સહિતની બાબતો અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. 

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં અલગ-અલગ ૦૭ વિધાનસભામાં ચુંટણી વિભાગ દ્વારા યુનીક પોલીંગ સ્ટેશન પણ રાખવામાં આવ્યા છે. જેમાં મહિલા સંચાલિત કુલ ૪૯ મતદાન મથકો, ૦૭-મોડેલ મતદાન મથકો, ૦૭-પીડબલ્યુડી સંચાલિત મતદાન મથકો, ૦૧-યુથ મતદાન મથક ઉભા કરવામાં આવશે જ્યારે કુલ-૧૫૧૭ મતદાન મથકો પર ૧૯૭ ઝોનલ ઓફીસર ખડેપગે હાજર રહેશે. આ ઉપરાંત ૯૧૦૦ રીઝર્વ મતદાન સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત પેરા મીલેટ્રી ફોર્સ તૈનાત રહેશે અને કુલ ૧૫૧૭ મતદાન મથકો પૈકી ૫૦% મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ અને રેકોર્ડીંગ પણ કરવામાં આવશે. તેમજ ચુંટણી પંચની સુચના મુજબ ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા, ૪૦%થી વધુ દિવ્યાંગ મતદારો તેમજ કોરોનાથી સંક્રમીત મતદારોને ટપાલ દ્વારા પણ મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છ.ે જેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં અંદાજે ૮૫ વર્ષથી વધુ-૧૨૮૮૭ મતદારો નોંધાયા છે. તેમજ દિવ્યાંગ-૨૮૪૪ મતદારો નોંધાયા છે. જ્યારે ૦૭-વિધાનસભા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં ૪૪૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૬૯૧ મળી કુલ ૨૧૩૬ મતદાન મથકો પર લોકસભાની ચુંટણી યોજાશે આ બેઠકમાં જીલ્લા પોલીસવડા, અધિક કલેકટર સહિત ચુંટણીને લગતા દરેક વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણીના કુલ મતદારો

વિધાનસભા પુરૂષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ

વઢવાણ            ૧,૫૭,૩૫૫ ૧,૪૭,૮૮૬ ૦૬       ૩,૦૫,૨૪૭

ચોટીલા            ૧,૩૯,૯૧૩ ૧,૨૭,૬૬૦ ૦૯         ૨,૬૭,૫૮૮

ધ્રાંગધ્રા            ૧,૬૨,૮૭૮ ૧,૫૦,૪૯૧ ૦૪         ૩,૧૩,૩૭૩

લીંબડી            ૧,૫૨,૯૧૩ ૧,૩૮,૮૪૨ ૦૪         ૨,૯૧,૭૫૯

દસાડા             ૧,૩૯,૦૮૮ ૧,૨૮,૬૭૫ ૦૧          ૨,૬૭,૭૬૪

ધંધુકા             ૧,૪૫,૮૧૮ ૧,૩૧,૨૦૪ ૦૨          ૨,૭૭,૦૨૪

વિરમગામ      ૧,૫૫,૮૩૬ ૧,૪૭,૬૫૫ ૦૬          ૩,૦૩,૪૯૭

કુલ...        ૧૦,૫૩,૮૦૭ ૯,૭૨,૪૧૩ ૩૨         ૨૦,૨૬,૨૫૨



Google NewsGoogle News