સુરેન્દ્રનગર જિલ્લાના 32,500 વિદ્યાર્થીઓ 33 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા આપશે
- તા. 11 થી 26 માર્ચ સુધી ધો. 10 અને 12 ની પરીક્ષા યોજાશે
- ગત વર્ષની સરખામણીએ 2900 પરીક્ષાર્થીઓ ઓછા નોંધાયા : જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
સુરેન્દ્રનગર : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ પણ શાંતિપૂર્વક આ પરીક્ષાઓ આપી શકે તે માટે જિલ્લાના શિક્ષણ વિભાગ સહિત વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં અંદાજે ૩૨,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનો આગામી તા.૧૧ માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાઓને ધ્યાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં અધિકારીઓ દ્વારા પરીક્ષા કેન્દ્રોની મુલાકાત, સીસીટીવી તેમજ પરીક્ષાકેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ સહિતની બાબતોની સ્થળ તપાસ કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તા.૧૧ માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાઓ તા.૨૬ માર્ચ સુધી ચાલશે. ગત વર્ષે ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં જિલ્લાના અંદાજે ૩૫,૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જે ચાલુ વર્ષે ઘટીને ૩૨,૫૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા એકંદરે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિત જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા સહિતની ટીમ દ્વારા બોર્ડની પરીક્ષાઓ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા ધ્રાંગધ્રા, પાટડી, થાન, લખતર, ચોટીલા, માલવણ, રાજસીતાપુર, ઝીંઝુવાડા, સોલડી, લીંબડી, વઢવાણ, વણા, મુળી, સાયલા, સુરેન્દ્રનગર, ચુડા, સરા, ખોલડીયાદ અને ધજાળા સહિતના પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.
જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, માલવણ, લીંબડી, ચુડા, લખતર, વઢવાણ, થાન, પાટડી, ચોટીલા, મુળી અને સાયલા પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.
જ્યારે જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત એસઆરપીની ટુકડીઓ તૈનાત રહેશે અને પરીક્ષામાં ગેરરીતી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
જ્યારે બોર્ડની પરીક્ષાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાએ જણાવ્યું હતું કે, તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યાં છે અને દરેક પરીક્ષા કેન્દ્રો પર જેતે વિષયની પરીક્ષા પૂર્ણ થયા બાદ બીજે દિવસે તમામ કેન્દ્રોનું રેકોર્ડીંગ ડીવીડી દ્વારા ઝોનલ કચેરીએ આવી જશે અને નિયત કરેલી ટીમ દ્વારા ડીવીડીની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવશે.
ધોરણ- 10 અને ધોરણ- 10 બોર્ડની પરીક્ષા વ્યવસ્થા
ધોરણ ઝોન પરીક્ષા કેન્દ્ર બિલ્ડીંગ બ્લોક
ધો-૧૦ ૨ ૧૯ ૭૫ ૬૫૪
ધો-૧૨ (સા.પ્ર.) ૧ ૧૨ ૪૫ ૩૮૫
ધો-૧૨ (વિ.પ્ર.) ૧ ૨ ૮ ૬૭
કુલ... ૪ ૩૩ ૧૨૮ ૧૧૦૬