થાનમાં 9.35 લાખ સામે 31.43 લાખ ચૂકવ્યા છતાં શખ્સને ધમકી આપી
- કારખાને જઇને શખ્સો ઉઘરાણી કરતા હતા
- વ્યાજખોરોએ બળજબરીથી કાર તેમજ મશીનની ડાય પણ પડાવી લીધી : છ વ્યાજખોરો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : થાનમાં માટલા બનાવવાનું કારખાનું ધરાવતા કારખાનેદારે છેલ્લા ૭ વર્ષમાં અલગ અલગ ૬ વ્યક્તિઓ પાસેથી રૃા.૯,૩૫,૦૦૦ અલગ અલગ વ્યાજના દરે લીધી હતી. જે પેટે રૃા.૩૧,૪૩,૦૦૦ જેટલી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા બળજબરીથી કાર અને મશીનની ડાઇ પડાવી લઇ કારખાનેદારને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કારખાનેદારે ૬ શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીંબડી રોડ પર બાપા સિતારામની મઢુલી પાસે રહેતા ભાવદાસભાઇ હરીરામભાઇ દુધરેજીયાએ થાન તાલુકાના કાનપર ગામના બોર્ડ પાસે ભાગીદારીમાં માટલા બનાવવાનું કારખાનું શરૃ કર્યું હતું.
અંદાજે સાત વર્ષ પહેલા પૈસાની જરૃરિયાત ઉભી થતાં જયરાજભાઇ બોરીચા, અજીતભાઇ કાઠી દરબાર, માણશીભાઇ કાઠી દરબાર, મંગળુભાઇ કાઠી દરબાર, મંગળુભાઇ ખોડુભાઇ ધાંધલ અને શૈલેષભાઇ ખમાણી પાસેથી અલગ અલગ સમયે કુલ રૃપિયા ૯.૩૫ લાખ ૧૦ થી ૨૦ ટકા સુધીના વ્યાજે લીધી હતી અને આ રકમના વ્યાજ પેટે રોકડા તેમજ ગુગલ પે અને ફોન પે દ્વારા રૃપિયા ૩૧૪૩૦૦૦ જેટલી રકમ ચૂકવી હોવા છતા અજીતભાઇ કાઠી દરબાર દ્વારા બળજબરીથી ગાડીનું વેચાણ કરાર કરાવી લીધું હતું.
મંગળુભાઇ કાઠી દરબારે કારખાનમાં કોડીયા બનાવવાની ૧૮ ડાય કિંમત રૃપિયા ૧૨૬૦૦૦ બળજબરીથી લઇ લીધી હતી તેમ છતાં ભાવદાસભાઇના ઘરે જઇ રૃપિયાની ઉઘરાણી મામલે ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા .
વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા ભાવદાસભાઇએ કુલ ૬ શખ્સો સામે થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.