સુરેન્દ્રનગરમાં બે જુથો વચ્ચે મારામારીમાં 3 વ્યક્તિને ઈજા
- ભુંડ પકડવાની હદ બાબતે ઝઘડો
- બંને પક્ષોની ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે ભુંડ પકડવાની હદ બાબતે અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ બાબતે બે જુથ વચ્ચે મારામારી થતાં ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને જુથના લોકોએ સામસામે ફરીયાદ નોંધાવતા કુલ ૭ શખ્સો સામે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર બસ સ્ટેશન નજીક ચા ની કીટલી પર એકઠા થયેલા ભુંડ પકડનાર શખ્સો વચ્ચે અગાઉના ઝઘડા બાબતે બોલાચાલી થતાં બન્ને જુથો સામસામે આવી ગયાં હતા. એકબીજા પર પાઇપ અને પથ્થરો વડે હુમલો કરતા રવિન્દરસીંગ મનહરસીંગ ભાટીયાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.
આ અંગે ઇજાગ્રસ્તના પિતા મનહરસીંગ ઉર્ફે શેટીસીંગ શેરસીંગ ભાટીયાએ બી-ડિવિઝન પોલીસ મથકે કરનેલસીંગ રાજુસીંગ ટાંક સરદારજી, માનસીંગ રાજુસીંગ ટાંક સરદારજી અને બહાદુરસીંગ ઇશ્વરસીંગ ટાંક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે કરનેલસીંગ રાજુસીંગ ટાંક દ્વારા નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, અગાઉના ભુંડ પકડવાના ઝઘડા બાબતે મનહરસીંગ ઉર્ફે શેટીસીંગ શેરસીંગ ભાટીયા, કાલીસીંગ શેરસીંગ ભાટીયા, સુલીન્દ્રસીંગ લાલસીંગ ભાટીયા અને રવિન્દ્રસીંગ મનહરસીંગ ભાટીયા દ્વારા પથ્થરો વડે હુમલો કરી કરનેલસીંગ રાજુસીંગ ટાંક અને તેમના કાકા બહાદુરસીંગ ઇશ્વરસીંગ ટાંકને ઇજાઓ પહોંચાડી હતી.