ધાંધલપુર રોડ પરથી 3 શખ્સો દેશી બંદુક, 2 છરી સાથે ઝડપાયા
- ધજાળા પોલીસે ત્રણેયને દબોચી લીધા
- પોલીસે આરોપીની અટક કરી બંદુક, રોકડ, મોબાઇલ સહિત ૬૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બનતા ગુન્હાખોરીના બનાવોમાં ગેરકાયદેસર દેશી હથિયારો વપરાતા હોવાની તેમજ અનેક શખ્સો ગેરકાયદેસર હથિયારો રાખી ફરતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી ધજાળા પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
જે દરમ્યાન એક બાઈક પર ત્રણ જેટલા શખ્સો કરાડી ગામથી ધાંધલપુર ચોકડી તરફ આવવાના હોવાની તેમજ ત્રણેય શખ્સો પૈકી એક શખ્સ પાસે ગેરકાયદેસર લાયસન્સ વગરની દેશી હાથબનાવટની બંદુક હોવાની હકિકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જે દરમ્યાન ધાંધલપુર-કરાડી રોડ પર મેલડી માતાજીના મંદિરથી કરાડી ગામ તરફ નાળા પાસેથી બાતમીવાળુ બાઈક ત્રણ સવારીમાં પસાર થતાં તેને ઉભું રાખી પુછપરછ કરતાં એક આરોપી હૈયાતભાઈ દાઉદભાઈ ઉર્ફે કાસમભાઈ મોરી (ડફેર) ઉ.વ.૨૪, રહે.મોટામાત્રા ગામની સીમ તા.વીંછીયાવાળાને દેશી હાથબનાવટની સીંગલ બેરલની દેશી બંદુક કિંમત રૂા.૨,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૂા.૧,૫૦૦ સાથે ઝડપી પાડયો હતો જ્યારે બાઈકચાલક અબ્દુલભાઈ કરીમભાઈ મોરી (ડફેર) ઉ.વ.૩૦, રહે.મોટામાત્રા તા.વીંછીયાવાળાની અંગજડતી કરતાં કમરના નેફામાંથી એક છરી તથા બાઈક કિંમત રૂા.૩૫,૦૦૦ અને ત્રીજો આરોપી ઈકબાલભાઈ અસલમભાઈ મોરી (ડફેર) ઉ.વ.૧૯ રહે.મોટામાત્રા તા.વીંછીયાવાળાની પણ અંગજડતી દરમ્યાન એક છરી અને મોબાઈલ કિંમત રૂા.૧,૫૦૦ સાથે ઝડપી પાડયા હતાં આમ ત્રણેય શખ્સો પાસેથી એક દેશી હાથબનાવટની બંદુક અને બે છરી સહિતના હથિયારો ઝડપી પાડવામાં આવ્યાં હતાં અને તમામ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.