પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ૩ શખ્સો ઝડપાયા
- ધ્રાંગધ્રાના બાલા હનુમાન મંદિરના
- હત્યામાં સંડોવાયેલા તમામ પાંચ શખ્સો ઝડપાઈ ગયા : કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યામાં સંડોવાયેલા બે શખ્સોની કુડાની વાડીમાંથી ઝડપી પાડયા બાદ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝને વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા-કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી.
અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હત્યા નીપજાવનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમની પૂછપરછ હાથ ધરતાં અન્ય આરોપીઓ સુધી પહોંચવાની પણ કડી મળી આવતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે પુજારીની હત્યામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ ઈશ્વરભાઈ ઉર્ફે સુરેશ વિરસીંગભાઈ બામણીયા (રહે. કુડા, મુળ રહે.ધાનપુર, દાહોદ), શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર અને રાકેશભાઈ અરવિંદભાઈ પરમાર (બન્ને રહે. કુડા, મુળ રહે.દાહોદ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.