ચોટીલામાં 3 ઈંચ તથા ધ્રાંગધ્રા અને મુળીમાં 1.5 ઈંચ વરસાદ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ચોટીલામાં 3 ઈંચ તથા ધ્રાંગધ્રા અને મુળીમાં 1.5 ઈંચ વરસાદ 1 - image


- મંગળવારે રાત્રે ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ

- જિલ્લામાં અત્યારસુધીમાં સરેરાશ 18 ટકા જેટલો વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. જેમાં ચોટીલા, ધ્રાંગધ્રા અને મુળી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ ગત મંગળવારે તા.૯ જુલાઈના રોજ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહૃય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું લાંબા સમયના વિરામ બાદ આગમન થયું હતું.

 જેમાં ચોટીલા તાલુકામાં સાંજના ૬ થી રાતના ૧૦ વાગ્યા સુધી ચાર કલાકમાં સૌથી વધુ ૭૦ મીમી (અંદાજે ૩ ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ધ્રાંગધ્રા તાલુકામાં ૩૯ મીમી, મુળી તાલુકામાં રાતના ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં ૩૮ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સાયલા અને દસાડા તાલુકામાં ૨૯મીમી તેમજ થાન તાલુકામાં ૧૮ મીમી, વઢવાણ તાલુકામાં ૫ મીમી, લીંબડી તાલુકામાં ૩ મીમી, ચુડા અને લખતર તાલુકામાં ૦૦ મીમી વરસાદ નોંધાયો હતો.

 સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ૨૨૧ મીમી તેમજ મૌસમનો કુલ વરસાદ અત્યાર સુધીમાં ૩૭.૩૩ ટકા નોંધાયો છે. જ્યારે લખતર તાલુકામાં સૌથી ઓછો ૪૮ મીમી અને લીંબડી તાલુકામાં ૫૦ મીમી વરસાદ નોંધાયો છે. 

લાંબા સમયના વિરામ બાદ ઝાલાવાડમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો સહિત ઝાલાવાડવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.



Google NewsGoogle News