સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 20.33 લાખ મતદારો 14 ઉમેદવારનું ભાવિ ઘડશે
- ઝાલાવાડમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા, હવે ડોર ટુ ડોર પ્રચાર કરી શકાશે
- શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ 2136 મતદાન મથકો પર મતદાન થશે: મતદાન મથકો પર આજે ઇવીએમ અને વીવીપેટ રવાના કરાશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતીકાલે તા.૭ મે ના રોજ મતદાન યોજાશે. ચુંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે જેને ધ્યાને લઈ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરની અધ્યક્ષતામાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સુુરેન્દ્રનગર બેઠકમાં ૨૦.૩૩ લાખ મતદારો ૧૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઝાલાવાડાના ૨૧૩૬ મતદાન મથકો મતદાન થશે. જયારે આજે મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ રવાના કરવામાં આવશે.
સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણી માટે ચુંટણીપંચના નિયમ મુજબ ૪૮ કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારો અંતિમ બે દિવસમાં બંધ બારણે બેઠકો યોજી મતદારોને રીઝવવાના વિશેષ પ્રયાસો કરશે.
સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ઉમેદવાર ચુંટણી મેદાનમાં છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જામશે. કુલ ૧૪ ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે અને લોકસભામાં કુલ ૨૦.૩૩ લાખ મતદારો તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જિલ્લા ચુંટણી વિભાગ દ્વારા લોકસભાની ચુંટણીમાં સમાવીષ્ટ કુલ ૭ વિધાનસભામાં અંદાજે ૨૦.૦૨ લાખ જેટલી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાનની તારીખ અને મતદારને માર્ગદર્શન આપવા માટે મતદાનને દિવસે શું કરવું ? શું ન કરવું ? સહિતની વિગતો પણ દર્શાવવામાં આવી છે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં એક સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. જેમાં ચુંટણીની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં જીલ્લા પોલીસવડા સહિત ચુંટણી કામગીરીને લગતા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સુરેન્દ્રનગરની લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ મતદારોને કોઈ હાલાકી ન પડે ચુંટણી અને વહિવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે.
લોકસભાની ચુંટણીના કુલ ઉમેદવારો
સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીના મતદારો
વિધાનસભા પુરૂષ સ્ત્રી અન્ય કુલ
દસાડા ૧૩૯૩૬૩ ૧૨૯૧૩૯ ૧ ૨૬૮૫૦૩
લીંબડી ૧૫૩૧૩૮ ૧૩૯૨૪૦ ૪ ૨૯૨૩૮૨
વઢવાણ ૧૫૭૯૭૮ ૧૪૮૬૪૩ ૬ ૩૦૬૬૨૭
ચોટીલા ૧૪૦૧૮૨ ૧૨૮૧૩૫ ૯ ૨૬૮૩૨૬
ધ્રાંગધ્રા ૧૬૩૩૨૫ ૧૫૧૩૧૯ ૪ ૩૧૪૬૪૮
વિરમગામ ૧૫૬૩૮૨ ૧૪૮૪૩૧ ૬ ૩૦૪૮૧૯
ધંધુકા ૧૪૬૨૪૪ ૧૩૧૮૬૮ ૨ ૨૭૮૧૧૪
કુલ... ૧૦૫૬૬૧૨ ૯૭૬૭૭૫ ૩૨ ૨૦૩૩૪૧૯
સુરેન્દ્રનગર લોકસભા ચુંટણીના કુલ મતદાનમથકો
વિધાનસભા શહેરી ગ્રામ્ય કુલ
દસાડા ૧૬ ૨૭૮ ૨૯૪
લીંબડી ૩૧ ૨૮૮ ૩૧૯
વઢવાણ ૧૮૮ ૯૩ ૨૮૧
ચોટીલા ૪૭ ૨૫૧ ૨૯૮
ધ્રાંગધ્રા ૮૦ ૨૪૫ ૩૨૫
વિરમગામ ૪૩ ૨૯૩ ૩૩૬
ધંધુકા ૪૦ ૨૪૩ ૨૮૩
કુલ... ૪૪૫ ૧૬૯૧ ૨૧૩૬