સુરેન્દ્રનગર બેઠક પર 14 ઉમેદવારોનું ભાવી 20.33 લાખ મતદારો નક્કી કરશે

Updated: May 7th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર બેઠક પર 14 ઉમેદવારોનું ભાવી 20.33 લાખ મતદારો નક્કી કરશે 1 - image


- આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી 

- 2136 મતદાન મથકો પર 9 હજારથી વધુ સુરક્ષા કર્મી અને 9 હજારથી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે : 50 ટકા મથકો પર વેબ કાસ્ટિંગ કરાશે 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી માટે મંગળવારે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી, વહિવટી તથા પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મતદારોને કોઈ હાલાકી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મંગળવારે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૭ વિધાનસભા બેઠકોમાં ૧૦.૫૬ લાખ પુરૂષ મતદારો, ૯.૭૩ લાખ મહિલા મતદારો અને અન્ય ૩૨ મતદારો મળી કુલ ૨૦.૩૩ લાખ મતદારો નોંધાયા છે. જેઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સુરેન્દ્રનગર બેઠકના ૧૪ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. 

શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળી કુલ ૨,૧૩૬ મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ૨,૬૬૭ ઈવીએમ યુનીટનો ઉપયોગ થશે. તમામ મતદાન મથકો પર પીઆર, પોલીંગ ઓફીસર, એફપીઓ મળી કુલ ૯,૪૧૨ ૫ોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. ૨૭૧ ઝોનલ ઓફીસર પણ ખડેપગે હાજર રહેશે. 

જ્યારે મતદાનને દિવસે હિટવેવની શક્યતાઓને ધ્યાને લઈ મતદારો માટે છાંયડો, ઠંડા પાણીની સુવિધા, ઓઆરએસ તેમજ મેડીકલ કીટની અને પ્રાથમિક સારવારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. દરેક મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મત આપી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીઆરડી જવાનો, હોમગાર્ડ, એસઆરપી સહિત અંદાજે ૯,૦૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. 

જ્યારે ૫૦ ટકા જેટલા મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અલગ-અલગ તાલુકાઓમાંથી અંદાજે રૂા.૧.૨૫ કરોડની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ૬૦ જેટલા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યાં છે. 

મંગળવારે સાંજના ૬ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ લોકસભા બેઠકના ૧૪ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થશે. તમામ ઈવીએમને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવશે.



Google NewsGoogle News