Get The App

ખમીસણાના ખેડૂતને દાડમનું વાવેતર કરી ૨.૨૪ કરોડની આવક

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
ખમીસણાના ખેડૂતને દાડમનું વાવેતર કરી ૨.૨૪ કરોડની આવક 1 - image


- છોડ પર ૭૦૦ ગ્રામ સુધીના વજનવાળા દાડમ આવે છે

- પાંચ વર્ષ પહેલાં દાડમના ૯ હજાર છોડનું વાવેતર કરી બાગાયતી ખેતી તરફ વળ્યા હતા 

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ખમીસણા ગામના ખેડૂતે પોતાની જમીનમાં દાડમની બાગાયતી ખેતી કરી સારી આવક મેળવી છે. ચાલુ વર્ષે દાડમની ઉપજ રૂ.૨.૨૪ કરોડમાં યુપીના વેપારીને વેચીને આવક મેળવી છે.

ખમીસણા ગામના ખેડૂત રધુભાઈ રબારીએ વર્ષ ૨૦૧૮માં ૨૫ એકર જમીનમાં ભગવા સીંદુરી અને ભગવો જાતના અંદાજે ૯૦૦૦ જેટલા દાડમના છોડનું વાવેતર કર્યું હતું.  જેમાં પ્રથમ વર્ષે છોડ દીઠ ૧૨ થી ૧૫ કિલોગ્રામ જેટલું ઉત્પાદન મેળવ્યું હતું. બીજા વર્ષે છોડ દીઠ ૨૫ કિલોગ્રામની આજુબાજુ અને આ વર્ષે છોડ દીઠ ૩૦ થી ૩૫ કિલોગ્રામ જેટલું ઉત્પાદન થયું છે. 

આજે છોડ પર ૩૦૦ ગ્રામથી ૭૦૦ ગ્રામ સુધીના વજનવાળા દાડમ આવે છે. ચાલુ વર્ષે થયેલી દાડમની સમગ્ર ઉપજ અંદાજે રૂા.૨.૨૪ કરોડમાં ઉત્તર પ્રદેશના એક વેપારીને આપી છે. જ્યારે દાડમના વાવેતરમાં ખર્ચના ૬૫ ટકા સહાય મેળવી અને ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરમાં પણ ખર્ચના ૫૦ ટકા અને ગ્રો કવરમાં પણ સરકારની સહાય મેળવી છે. તેમજ હજુ પણ બીજી ૪૦ એકરમાં જમીનમાં દાડમનું વાવેતર કરવાનું આયોજન છે.

ગત વર્ષે ખેડૂતોએ બાંગ્લાદેશ સુધી દાડમ મોકલી હતી. આ વર્ષે પણ બાંગ્લાદેશ તેમજ દુબઈ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના દાડમની નિકાસ થવાની છે. આમ બાગાયતી ક્ષેત્રે જિલ્લાના ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. 

ખેડૂતો શરૂઆતમાં કપાસ, બાજરી, ધઉં, જીરૂ જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ તેમાં ઉપજ ઓછી અને ખર્ચ વધુ હોવાથી નફો વધુ થતો નહોતો. જ્યારે બાગાયતી પાકોની ખેતીમાં ખર્ચ ઓછો સમય અને ઓછા ખર્ચમાં વધુ વાવેતર અને નીપજ થતી હોવાથી ઝાલાવાડના ખેડૂતો પણ હવે દાડમ, જામફળ, બોર, કમલમ જેવા પાકોની ખેતી તરફ વળ્યા છે.


Google NewsGoogle News