ધ્રંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નજીકના નેતા સહિત 18 શખ્સ જુગાર રમતા ઝડપાયા
- હળવદની લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ચાલતા જુગારધામમાં પોલીસનો દરોડો
- જુગારમાં ઝડપાયેલા તાલુકા ભાજપ મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સદ્દસ્ય ૬ વર્ષ માટે સસ્પેન્ડ
સુરેન્દ્રનગર : હળવદ ખાતે આવેલી લેકવ્યુ હોટલમાંથી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડા કરી ઘોડી-પાસાનો જુગાર રમતા ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નજીકના હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા અને હળવદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ તેમજ કિસાન મોરચાના સદ્દસ્ય વલ્લભભાઈ સુંદરજીભાઈ ખાવડીયા (પટેલ) સહિત ૧૮ શખ્સોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન બે શખ્સો નાસી છુટયા હતા. જુગાર રમતા ઝડપાયેલા બંને નેતાને ભાજપના સભ્યપદેથી તેમજ તમામ હોદ્દા પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હળવદ પોલીસે હળવદ-માળિયા હાઇવે પર આવેલી લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાં દરોડા કરી જુગારધામ ઝડપી પાડયું હતું. પોલીસે સ્થળ પરથી ઘોડી-પાસનો જુગાર રમતા હળવદ તાલુકા ભાજપના મહામંત્રી ભરતભાઈ હરખાભાઈ વઢરેકીયા અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના હળવદ તાલુકાના સદ્દસ્ય વલ્લભભાઈ સુંદરજીભાઈ ખાવડીયા(પટેલ) સહિત ૧૮ શખ્સોને રોકડ રૃા.૨.૦૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે બે શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ ૧૮ શખ્સો સહિત કુલ ૨૦ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બીજી જુગારમાં ઝડપાયેલા પૂર્વ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ કિસાન મોરચાના સદ્દસ્ય વલ્લભભાઈ પટેલને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા અવાર-નવાર કાર્યક્રમોમાં સ્ટેજ પર સાથે રાખતા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ હળવદ વિસ્તારના લોકોના કામો કરવાને બદલે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ ચંદુભાઈ શિહોરા જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારોને સાથે રાખતા હોવાથી બંને સામે હળવદ તાલુકાના પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હળવદમાં વલ્લભ અને ધ્રાંગધ્રામાં ધારાસભ્ય અને સાંસદે ધોળીશ્યામ અને ભરાડાલાલને છુટ્ટો દોર આપ્યો હોવાની પણ લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ છે.
ઘોડી-પાસાના જુગારમાં ઝડપાયેલ શખ્સો
(૧) ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા (હળવદ તાલુકા ભાજપ મહામંત્રી) (૨) વલ્લભભાઈ સુંદરજીભાઈ ખાવડીયા (પટેલ) (પૂર્વ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ કિસાન મોરચાના સદ્દસ્ય) (૩) અલાઉદિન મહમદભાઈ (૪) મહેબુબ નથુભાઈ (૫) જાકિર દાઉદભાઈ (૬) મોસીન હબીબભાઈ (૭) ઈરફાન યુનુસભાઈ (૮) દિવ્યેશ કિશોરભાઈ (૯) રસીદ જુમાભાઈ (૧૦) ફૈયાઝ યાકુબભાઈ (૧૧) શબીર જુસકભાઈ (૧૨) તોહીદ અજીતભાઈ (૧૩) રજાક અકબરભાઈ (૧૪) જાવિદ અબ્દુલભાઈ (૧૫) ઇમરાન હનીફભાઈ (૧૬) સિરાઝ સલેમાંનભાઈ (૧૭) અસલમ સલીમભાઈ (૧૮) સલીમ જુમાભાઈને ઝડપી લીધા હતા જ્યારે (૧૯) નિલેશ ધનજીભાઈ ગામી (૨૦) પંકજ ચમનભાઈ ગોઠી નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં.
બન્ને નેતા ભાજપના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ
જ્યારે ધોડી-પાસના જુગારમાં ઝડપાયેલ ભાજપના બન્ને હોદ્દેદારો અને નેતાઓ ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા અને વલ્લભભાઈ સુંદરજીભાઈ ખાવડીયા (પટેલ)ને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ પ્રદેશ ભાજપની સુચના મુજબ ભાજપના સભ્યપદેથી તેમજ તમામ હોદ્દા પરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરતા ભાજપના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.