સુરેન્દ્રનગર પાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના જ 15 સભ્યો ગેરહાજર

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના જ 15 સભ્યો ગેરહાજર 1 - image


- ભાજપનો આંતરિક વિખવાદ છતો થયો 

- 7 કરોડના વિકાસ કામોને ઝડપભેર મંજૂરી આપી સભા ગણતરીની મિનિટોમાં જ આટોપી દેવાઈ     

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં કુલ ૫૨ ચૂંટાયેલા સભ્યો પૈકી ૧૫ થી વધુ ભાજપના જ સભ્યો ગેરહાજર રહેતા ભાજપના સભ્યોનો આંતરીક વિખવાદ બહાર આવ્યો હોય તેવું દેખાઇ આવ્યું હતું અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાલિકાના સભ્યોનો આંતરિક ઉકળતો ચરૂ બહાર આવતા પાલિકા તંત્રમાં પણ નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાનું ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં પાલિકાના ચૂંટાયેલા ૧૫ થી વધુ સભ્યો જ ગેરહાજર રહેતા ભાજપનો આંતરિક ડખ્ખો બહાર આવ્યો હતો. જેમાં મુખ્યત્વે વઢવાણમાં આવતા વોર્ડમાં તમામ ચૂંટાયેલા સદસ્યો ગેરહાજર જોવા મળતા વઢવાણના ચૂંટાયેલા સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે.

જેથી ભાજપના ચૂંટાયેલા આ સભ્યોનો આંતરીક અસંતોષને લઇને આગામી સમયમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં હોવાની ચર્ચાઓ ઉઠી છે. તેમ છતાં પાલિકા પ્રમુખ દ્વારા સબ સલામત હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

જો કે સવારે ૧૧ વાગ્યાથી પ્રમુખ સહીતના પદાધિકારીઓ સભાખંડમાં પહોંચી ગયા હતા પરંતુ પુરતા સભ્યો હાજર ન હોવાના કારણે સામાન્ય સભા છેક સાડા અગિયાર વાગ્યે શરૂ કરવામાં આવી હતી અને ૩૦ સેકન્ડમાં તમામ એજન્ડાને સર્વાનુમતે બહાલી આપી બોર્ડની ઔપચારીકા પૂર્ણ કરવામાં આવી હતી.

પાલિકાના જનરલ બોર્ડમાં કુલ ૭ કરોડથી વધુ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. જેમાં ફરી એકવાર પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને સિટીબસની લોલીપોપ આપવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ જનરલ બોર્ડમાં સિટી બસ સેવા શરૂ કરવાનો એજન્ડા પાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત તળાવના બ્યુટીફીકેશ સહીતના કામોને મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકાનું બોર્ડ માત્ર ગણતરીની સેકેન્ડોમાં આટોપી લેવામાં આવ્યું હતું.

સ્મશાનમાં ગરમ પાણીની સુવિધાઓ બાબતે મુદ્દો ઉગ્ર બને તેમ હતો ઃ પાણી પુરવઠા ચેરમેન

વઢવાણના સ્મશાનમાં હાલ ગરમ પાણીની સુવિધા નથી. અંતિમવિધિ માટે આવતા લોકોને બોરનાં ગંદા ઠંડા પાણીથી નહાવુ પડે છે. જે માટે રજૂઆત કરી હતી પરંતુ એક સભ્ય દ્વારા આ મામલે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આથી સામાન્ય સભામાં વિરોધ થાય કે મામલો ઉગ્ર બને તો પક્ષનું ખરાબ લાગે એટલે પક્ષની અને પરિવારની બાબત સમજી અમુક સદ્દસ્યો ગેરહાજર રહ્યાં હોવાનું પાણી પુરવઠા ચેરમેન જગદીશભાઈ પરમારે જણાવ્યું હતું.

સામાન્ય સભા તોફાની ના બને માટે સભ્યો ગેરહાજર રહ્યાં 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેરહાજર સભ્યો જો સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યાં હોત તો મામલો ઉગ્ર બનવાના એંધાણ હતાં અને એટલે જ સ્થાનિક આગેવાનની સમજાવટ બાદ સભ્યોએ વિરોધ કરવાના બદલે પક્ષની ગરીમા જળવાઈ રહે તે માટે ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતુ.

સભ્યોને બોલાવવા માટે કાર મોકલવાની નોબત આવી

સામાન્ય સભામાં શરૂઆતથી જ સભ્યોની પાંખી હાજરી જોવા મળતા સભ્યોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમજ અમુક સભ્યોને લેવા માટે તો કાર પણ મોકલવાની નોબત આવી હતી. પાલિકાના સભ્યોનો જે આંતરિક અસંતોષનો ચરૂ હતો તે ઉકળીને બહાર આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.



Google NewsGoogle News