પરીણિતા પર દુષ્કર્મ આચરનાર થાનના શખ્સને 14 વર્ષની કેદ
- સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટનો ચૂકાદો
- વર્ષ 2021 માં કૌટુંમ્બિક સગાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી
સુરેન્દ્રનગર : થાન પોલીસ મથકે વર્ષ ૨૦૨૧માં પરીણિતા સાથે કૌટુંમ્બિક સગાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે સુરેન્દ્રનગર ત્રીજા એડીશ્નલ સેશન્સ જજમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે સેશન્સ જજે આરોપીને ૧૪ વર્ષની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
થાનમાં રહેતા કૌટુંમ્બિક સગા મયુરભાઈ હેમંતભાઈ સારલા વર્ષ ૨૦૨૧માં ફરિયાદી સાથે લગ્ન પ્રસંગે લીયા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બાઈક પર મુકી જવાનું જણાવતા મયુરભાઈએ થાન ખાતે ફરિયાદીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ અંગે કોઈને જાણ કરશે તો પતિ તેમજ પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે ભોગ બનનાર પરીણિતાએ થાન પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર મયુરભાઈ સારલા સામે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સુરેન્દ્રનગર ત્રીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જે તાજેતરમાં ચાલી જતા ફરિયાદી પક્ષના સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા આરોપી મયુરભાઈ હેમંતભાઈ સારલાને દેષીત ઠેરવી ૧૪ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.