સુરેન્દ્રનગરમાં તોલમાપના કાયદાનો ભંગ કરતા 139 એકમને 1.42 લાખનો દંડ
- વજનકાંટા, વે-બ્રિજ અને પંપ યુનિટની ચકાસણી અને મુંદ્રાકન ફી પેટે રૃા. 30.81 વસુલાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછું આપવું જેવી અનેક રીત અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા સાત મહિનામાં ૧૩૯ એકમો સામે નિયમ મુજબ રૃા.૧.૪૨ લાખ માંડવાણ ફી પેટે વસુલ કરવામાં આવી હતી. જ્યારે ચકાસણી અને મુંદ્રાકન કરી ફી પેટે રૃા.૩૦.૮૧ લાખની સરકારી આવકની વસુલા કરવામાં આવી છે.
કાનુની માપ વિજ્ઞાાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ગત એપ્રિલ-૨૦૨૪ થી ઓક્ટોબર-૨૦૨૪ના સાત મહિનાના સમયગાળા દરમિયાન તોલમાપ ધારા અંતર્ગત ૧૨૧ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી કેસ નોંધી રૃા.૧ લાખથી વધુ અને પેકેઝ કોમોડીટીઝ રૃલ્સ અંતર્ગત પણ ૧૮ એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી રૃા.૪૨,૦૦૦ માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આમ કુલ ૧૩૯ એકમો સામે નિયમ મુજબ રૃા.૧.૪૨ લાખ માંડવાણ ફી પેટે વસુલ કરવામાં આવી હતી.
જ્યારે પેટ્રોલ પંપ, ઈન્ડરસ્ટ્રીઝ, સોના-ચાંદી, અનાજ-કરીયાણા, ફરસાણ, શાકભાજી તેમજ અન્ય ફેરીયાઓના વજનકાંટા, ઈલેકટ્રોનિકલ બેલેન્સ, વે-બ્રિજ અને પંપ યુનીટની ચકાસણી અને મુંદ્રાકન કરી ફી પેટે રૃા.૩૦.૮૧ લાખની સરકારી આવકની વસુલાત કરી છે. આ ઉપરાંત જિલ્લામાં ૧૮ વખત સામુહિક તપાસ હાથધરી ૧૩૩ એકમો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી રૃા.૧.૩૬ લાખ માંડવાળ ફી પેટે સ્થળ પર વસુલાત કરવામાં આવી છે.