હળવદમાંથી નશાકારક આયુર્વેદિક સિરપની 111 બોટલ ઝડપાઈ
- રહેણાંક મકાનમાં ધમધમતા વેપલા પર દરોડો
- રૂ. 16500 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ સામે કાર્યવાહી કરાઈ
હળવદ : મોરબી એલસીબીએ હળવદના રાણેકપર રોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં ચોરી-છુપેથી નશાકારક આયુર્વેદિક સિરપનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડીને ૧૧૧ નંગ બોટલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના રાણેકપર રોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા પ્રવીણ કાનજીભાઈ ચૌહાણ (ઉં.વ.૪૩, રહે. મૂળ સડલા, તા. મુળી, જિ. સુરેન્દ્રનગર) તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમિટ કે આધાર બિલ વગર આયુર્વેદિક નશીલા સિરપની બોટલો વેચાણ કરતો હોવાની બાતમી મોરબી એલસીબીને મળી હતી.
જેના આધારે છાપો મારતા મકાનમાંથી સ્ટોન હીલ આયુર્વેદિક પ્રોપીર્ટી મેડિસન કંપનીની ૪૦૦ મિલીની સીલ બંધ ૧૧૧ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.૧૬,૫૦૦ની કિંમતનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ
ધરી છે.