લીંબડી સર્કિટ હાઉસ પાસે ત્રિપલ અકસ્માતમાં 11 મુસાફરોને ઈજા
- એસટીની બે બસો અને બાઈક વચ્ચે ટક્કર
- 50 મુસાફરોનો આબાદ બચાવ : બાઈક ચાલક સહિત ત્રણ વ્યક્તિને સુરેન્દ્રનગર રિફર કરાયા : અકસ્માતનો સિલસિલો યથાવત
લીંબડી : લીંબડી રાજકોટ હાઈવે પર લીંબડીના સકટ હાઉસ પાસે બે એસ.ટી બસો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને એસટી બસોના ડ્રાઈવર સહિત ૧૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય ૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે રહેતા જયપાલભાઈ રાયમલભાઈ ઉ.વર્ષ ૨૮ જેઓ નટવરગઢથી લીંબડી અવંતિકા હોટલ સામે આવેલી તેમની ઓફિસે બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમયે ૪૦થી વધુ મુસાફરો સવાર એસ.ટીની રાજકોટથી અમદાવાદ જતી વોલ્વો બસ રાજકોટ તરફથી પુરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે વોલ્વો બસ ચાલકે સકટ હાઉસ પાસે બાઈક ચાલક જયપાલભાઈને બચાવવા જતાં દાહોદથી ધ્રોલ ૩૦થી વધુ મુસાફરોને લઈને જઈ રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અર્જુનભાઈ નટુભાઈ ઉ.વર્ષ ૩૦, હિતેશભાઈ નાગરભાઈ દાહોદ હડાળા ઉ.વર્ષ ૧૮, ઈલાબેન નિલેશભાઈ ઉ.વર્ષ ૩૦ દાહોદ, જલ્લાઉદીનભાઈ બચુભાઈ રહે. સુરેન્દ્રનગર, હારૂનભાઈ સલિમભાઈ ઉ.વર્ષ ૪૦ રહે. ધ્રોલ, રાજેન્દ્રભાઈ વાલજીભાઈ દુલેરા રહે. ટુવા, વિજયભાઈ અમૃતભાઈ રહે. રાજકોટ ઉ.વર્ષ ૭૨, પટેલ ધુ્રવ અશોકભાઈ રહે.મહેસાણા, ઈન્દ્રજીતભાઈ ભરતભાઈ ઉ.વર્ષ ૪૦ રાજકોટ, સિકંદર રફીકભાઈ ઉ.વર્ષ ૨૨ રહે. રળોલ સહિતના મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને લઈને તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ બંને એસ.ટી બસના ૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થતા અને જાનહાનિ ટળતા તમામને હાંશકારો થયો હતો. તો બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને હાઈવે ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરીને બનાવ અંગેની વધુ માહિતી અંગે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ બાઈક ચાલક જયપાલભાઈ તેમજ અન્ય બે મુસાફરોને વધુ ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.