વઢવાણમાં 11 જુગારી 5.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
- એસએમસીનો મનસુરી શેરીમાં દરોડો
- પોલીસ લાઈનની બાજુની શેરીમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાથી કામગીરી સામે સવાલ ઉઠયાં
સુરેન્દ્રનગર : વઢવાણ પોલીસ લાઈનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાંથી જુગાર રમતા ૧૧ શખ્સોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રોકડ સહિત ૫.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ પોલીસ મથકની હદમાં પોલીસ લાઈનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કર્યો હતો.
જેમાં જુગાર રમતા ગજેન્દ્રસિંહ હરિચંદ્રસિંહ ઝાલા (રહે. દુધરેજ રોડ), સોહેલ શદ્દરૂદીન ચામડીયા (રહે. એમ.પી.વોરા કોલેજ પાછળ), નરેશભાઈ ગોવિંદભાઈ આદેશરા (રહે. પ્રભાત સોસાયટી, બહુચર રોડ), હરેશભાઈ જાદવભાઈ દુધરેજીયા (રહે. ખેરાળી), આનંદભાઈ લખમણભાઈ મકવાણા (રહે.વોરાનો ડેલો, દુધરેજ), અખ્તારભાઈ રહિમભાઈ વંથલી (રહે.મનસુરી શેરી, વઢવાણ), ભવાનીસિંહ સોલંકી (રહે. મનસુરી શેરી, વઢવાણ), ઈરફાનભાઈ કાસમભાઈ બેલીમ (રહે. મોટાપીર ચોક, વઢવાણ), રમેશભાઈ પુંજાભાઈ મોરી (રહે. લીંબડી રોડ, વઢવાણ), અંકિતભાઈ રજનીભાઈ શાહ (રહે. વર્ધમાન કોલોની) અને બાબુભાઈ અમરશીભાઈ ચોવસીયા (રહે. સોનાપુર રોડ, સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતા.
એસએમસીએ સ્થળ પરથી રોકડ રૂા.૬૫,૦૫૦, ૧૦-મોબાઈલ, ૯-બાઈક સહિત કુલ રૂા.૫,૨૬,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ ૧૧ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોવીસ કલાકમાં અલગ-અલગ બે સ્થળો પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે રેઈડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વઢવાણ પોલીસ લાઈનની બાજુમાં આવેલી શેરીમાં જ જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને આ અંગે જાણ હશે કે કેમ તે અંગે ચર્ચાઓએ જોર પકડયું છે.