સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમમાંથી થોરીયાળી, નિંભણી, સબુરી અને ત્રીવેણી ઠાંગા ડેમ ખાલી
- ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 40 ટકા જેટલો વરસાદ નોંધાયો
- 11 ડેમમાં મળી માત્ર 24 ટકા પાણીનો જથ્થો બચ્યો : વરસાદ ખેંચાશે તો જિલ્લામાં જળસંકટના એંધાણ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની ઘટને લઇને ભર ચોમાસામાં પણ જિલ્લાના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યાં છે. જેમાં થોરીયાળી, સબુરી, નિંભણી અને ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણી તળીયા ઝાટક થઇ ગયું છે. જ્યારે અન્ય ૩ ડેમમાં હાલ પાણીનો જથ્થો ૧૦ ટકાથી પણ ઓછો એટલે કે નહિવત જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં જો સારો વરસાદ ન થાય તો જિલ્લામાં જળસંકટ સર્જાવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.
રાજ્યભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે, કેટલાક વિસ્તારમાં મેઘમહેર હવે મેઘકહેર સાબીત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા જાણે રૂઠયા હોય તેમ હજૂ સુધી જિલ્લામાં પુરતો વરસાદ ન થતાં જિલ્લાના ૧૧ ડેમ પૈકી ૪ ડેમ ભર ચોમાસે ખાલીખમ જોવા મળી રહ્યાં છે. જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો કુલ વરસાદ નોંધાયો છે.
વર્ષ ૨૦૨૩માં જિલ્લામાં જુલાઇ માસ સુધીમાં કુલ ૩૮૦૦ મીમી વરસાદ વરસી ચુક્યો હતો. જેની સામે આ વર્ષે માત્ર ૧૭૦૦ મીમી જ વરસાદ થયો છે. જેમાં એકમાત્ર ચુડા તાલુકામાં સરેરાશ ૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં વરસાદની ભારે ઘટને લઇને મુખ્ય ૧૧ ડેમમાં નવા નીરની આવક ન થતાં હાલ ૧૧ ડેમ પૈકી થોરીયાળી, નિંભણી, સબુરી અને ત્રિવેણી ઠાંગા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યાં છે. જ્યારે નાયકા ડેમમાં ૭.૭૩, ફલકુ ડેમમાં ૩.૧૧ અને ધારીમાં ૧.૦૩ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. ૧૧ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૨૪ ટકા જેટલો જ પાણીનો જથ્થો હાલ છે.
ત્યારે આગામી સમયમાં જો જિલ્લામાં વરસાદ ખેંચાય અથવા પુરતા પ્રમાણમાં સારો વરસાદ ન થાય તો સાયલા, ચોટીલા અને થાન પંથક સહિતના સ્થળોએ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાંઇ રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને પુરતુ પાણી મળે તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.