સુરેન્દ્રનગર પાલિકામાં સફાઈ અંગે દરરોજની ૧૦થી ૧૫ ફરિયાદો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકામાં સફાઈ અંગે દરરોજની ૧૦થી ૧૫ ફરિયાદો 1 - image


- નિયમિત સફાઈની માંગ કરાઈ

- કચરાની ડોર ટુ ડોર ગાડીઓના જીપીએસ છ મહિનાથી બંધ હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં સ્વચ્છતા બાબતે માત્ર કાગળ ઉપર જ દર્શાવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર વઢવાણ સહિતના નગરપાલિકા વિસ્તારમાં આદિવાસી, ગોધરીયા અને એમ.પી.ના મજુરો રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા તો કાંઈક જુદી જોવા મળી રહી છે. શહેરના ૧૩ વોર્ડ વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળતા  સફાઈનો પાલિકા વિસ્તારમાં ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરને સ્વચ્છ રાખવાની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી હોવાના આક્ષેપો શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.  સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત તો શહેરી ગંદકી દૂર કરવામાં આવશે પરંતુ અન્ય દિવસોમાં પણ શહેરમાં સ્વચ્છતા બાબતે પાલિકા તંત્ર આવી જ સજાગતા દાખવે તેવી માંગ ઉઠી છે.  

પાલિકાના સેનિટેશન વિભાગમાં દરરોજની ૧૦ થી ૧પ જેટલી સફાઈની ફરિયાદો મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાના સેનિટેશન વિભાગને આ બાબતે પૃચ્છા કરતા તેઓએ શહેરમાં સ્વચ્છતા જાળવા માટે સતત કામગીરી કરી રહ્યાનું લુલો બચાવ કર્યો હતો.  પાલિકાના કર્મીઓ આ ફરિયાદનો ર૪ કલાકમાં જ નિકાલ કરી દેતા હોવાનો બચાવ કર્યો છે.

સંયુકત પાલિકાના જુદા-જુદા ૧૩ વોર્ડ વિસ્તારોમાં સફાઈ બાબતે  ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી નાની ગાડી-ર૪ અને મોટી ગાડી-૪ મળી કુલ ૩૦ જેટલી ગાડીઓ દોડાવવામાં આવી રહી છે. તેમજ પાલિકા દ્વારા ૧રપ અને આઉટ સોસીંગથી ૩પ૦ જેટલા રોજમદારો પણ સફાઈની કામગીરી કરી રહ્યા છે. પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતી હોય તેમ શહેરના અનેક વોર્ડ વિસ્તારોમાં પ્લાસ્ટીકની કોથળીઓ સાથેની ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા હોવાના આક્ષેપો ઉઠયાં છે.  

ઉપરાંત શહેરમાં શેરી-મહોલામાંથી કચરો એકત્રિત કરતી ગાડીઓમાં છેલ્લા ૬ મહિનાથી જીપીએસ સિસ્ટમ બંધ હોવાનો તથા સફાઈ કામદારો તેમની રીતે કામગીરી કરી રહ્યા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યાં છે. આ ગાડીઓમાં જીપીએસ લગાવવા માટે રાજકોટ અને અંકલેશ્વરની કંપનીને કામગીરી સોંપાઈ હોવા છતાં આ કામગીરી ટલ્લે ચઢતા અનેક પ્રશ્નો રોષે ભરાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. 


Google NewsGoogle News