રાજગઢ ગામે એક રાતમાં ત્રણ મકાનમાંથી 1.72 લાખની ચોરી
- પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠયા
- ઘરની પાછળની દિવાલની બારી તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક જ રાતમાં ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. ત્રણેય મકાનોમાં ઘરની પાછળ આવેલી દિવાલની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી કુલ રૂા.૧.૭૨ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજગઢ ગામે રહેતા ડ્રાઈવર ઘનશ્યામભાઇ શંકરભાઇ ખંડોરીયાના ઘરે શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારજનો ઘરની બહાર ફળિયામાં સુતા હતા ત્યારે તસ્કરો ઘરની પાછળની દીવાલની બારી તોડી ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂ. ૪૫ હજાર સહિતનો મુદ્દામાલ ચોરી ગયા હતા.
તેમજ નજીકમાં રહેતા રણજીતભાઈ જગદીશભાઈ ખોડદીયાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી માત્ર બાજોઠની ચોરી કરી નાસી છુટયા હતા. તેમજ પુંજાભાઈ વેરશીભાઈ રાણેવાડીયાના મકાનમાંથી ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૧૦ હજાર સહિતના મુદ્દામાલની ચોરી કરી હયા હતા.
આ અંગે ઘનશ્યામભાઈની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે એક જ રાત્રે ત્રણ મકાનોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.