વડોદ નજીક એક રાતમાં ત્રણ સ્થળેથી 1.32 લાખની મત્તા ચોરી
- પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ
- જીન, શાળા અને મંદિરને નીશાન બનાવ્યા : સીસીટીવીમાં છ બુકાનીધારી કેદ
સુરેન્દ્રનગર : વડોદ હાઇવે નજીક આવેલા જીન તેમજ બે શાળાને તસ્કરોએ એક જ રાત્રીમાં નિશાન બનાવી રૂા.૧.૩૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત વસ્તડીમા બોર્ડ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના તાળા તેમજ દાનપેટીને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતાં. એક જ રાતમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ચોરી થતાં જોરાવરનગર પોલીસની સઘન પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
વડોદ નજીક આવેલા મહાદેવ જીનમાં તા.૨૦ ફેબુ્રઆરીના રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને જીનમાં આવેલી ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડા રૂા.૧.૨૩ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં. તેમજ ટુવા રોડ પર આવેલી તક્ષશિલા સ્કૂલ અને તેની બાજુમાં આવેલી સ્કૂલની દુકાનમાંથી રોકડા રૂા.૮૦૦ ચોરી ગયા હતા.
તેમજ વસ્તડી બોર્ડ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના તાળા તેમજ દાનપેટીને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને સ્વામિનારાયણ સ્કૂલમાંથી રોકડા રૂા.૮,૯૦૦ની ચોરી થઇ હોવાની વિગતો બહાર આવી છે. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ચોરીના બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ચોરી કરવા આવેલા ૬ બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં દેખાઇ રહ્યા છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.