બે મેચમાં ખેરવી 18 વિકેટ: વિદેશની ધરા પર તરખાટ મચાવી રહ્યો છે ભારતનો આ સ્ટાર બોલર
Representative Image |
Yuzvendra Chahal : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વિદેશમાં પોતાની જાદુઈ બોલિંગથી બધાને ચોંકાવી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ચહલની સ્પિનના જાદુ સામે કોઈ પણ બેટર ટકી રહ્યો નથી. ચહલે 2 મેચમાં અધધ 18 વિકેટ ઝડપી હતી. નોર્થમ્પટનશાયર તરફથી રમતા ચહલે બીજી મેચમાં 9 વિકેટ ઝડપી પોતાની ટીમને જીત અપાવી હતી.
ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લિસેસ્ટરશાયર સામે મેચની પહેલી ઇનિંગમાં 82 રનમાં 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 134 રનમાં 5 વિકેટ ઝડપી હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવમી વખત 5 વિકેટ લીધી હતી. આ મેચમાં લેસ્ટરશાયરની બીજી ઇનિંગ 316 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી નોર્થમ્પટનશાયરને જીતવા માટે 137 રનની જરૂર હતી. જે નોર્થમ્પ્ટનશાયરે 1 વિકેટ ગુમાવી 30.3 ઓવરમાં જીત હાંસલ કરી લીધી હતી.
મેચ દરમિયાન ચહલે લિસેસ્ટરશાયરના કેપ્ટન લુઈસ હિલ, લિયામ ટ્રેવાસ્કિસ, સ્કોટ કરી જેવા મહત્વના બેટરને પેવેલિયન ભેગા કરી દીધા હતા. તેણે અગાઉની પહેલી મેચમાં 9 વિકેટ લીધી હતી. બીજી મેચની પહેલી ઇનિંગમાં 45 રનમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 45 રનમાં 4 વિકેટ લઈને ડર્બીશાયર સામે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચહલે સતત બે મેચમાં કુલ 18 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ચહલે નોર્થમ્પટનશાયર તરફથી અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાં તેણે 21.10ની સરેરાશથી 19 વિકેટ ઝડપી હતી. ટીમને મળેલી સતત બે જીતમાં ચહલનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું.
અહીં તમને જણાવી દઈએ કે લાંબા સમયથી ચહલ ભારતીય ક્રિકેટ ટીમથી દુર ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી તેને કોઈપણ ફોર્મેટના પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નથી. જો કે આ વર્ષે યોજાયેલા T20 વર્લ્ડકપમાં તે ટીમનો ભાગ હતો, પરંતુ તે મેચ રમી શક્યો ન હતો.