ચહલ સાથે છુટાછેડાની અફવા વચ્ચે ધનશ્રીનો ટ્રોલર્સને જવાબ - 'મારું મૌન મારી નબળાઈ નથી'
Yuzi And Dhanshree Divorce Rumors: સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની જોડી સુપરહીટ કપલ પૈકી એક હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જાહેરમાં બંને અલગ-અલગ જોવા મળતાં તેમજ સોશિયલ મીડિયા પર એકસાથે કોઈ પોસ્ટ શેર ન કરતાં બંનેના છૂટાછેડાં થઈ રહ્યા હોવાની અટકળોએ જોર પકડ્યું છે. જેમાં ધનશ્રીનો તેના સાથી મિત્ર કોરિયોગ્રાફર સાથેનો ફોટો વાયરલ થતાં આ કપલની લવસ્ટોરીનો અંત આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ધનશ્રીને ટ્રોલ કરવામાં આવતાં અંતે તેણે મૌન તોડ્યું છે. અને ટ્રોલર્સને જવાબ આપ્યો છે કે, મારૂ મૌન મારી નબળાઈ નથી. બીજી તરફ ચહલની પણ એક તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચહલને લઈને પણ જાત-જાતની અટકળો લગાવવામાં આવી રહી છે.
ધનશ્રીએ મૌન તોડ્યું
ધનશ્રીએ ટ્રોલિંગનો ભોગ બન્યા બાદ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કોઈનું નામ લીધા વગર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘તે આ બાબતે કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી જેનાથી વિવાદ થાય. છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર અને મારા માટે મુશ્કેલ રહ્યા છે. વાસ્તવિક્તા જાણ્યા વિના આવા પાયાવિહોણી અને ખોટી અફવાઓ ફેલાવી મારી પ્રતિષ્ઠા અને ચારિત્ર્યને ખલેલ પહોંચી છે. મેં નામ બનાવવા પાછળ વર્ષો મહેનત કરી છે. મારું મૌન એ નબળાઈની નિશાની નથી, પણ શક્તિની નિશાની છે. ઓનલાઈન સરળતાથી નકારાત્મકતા ફેલાઈ જાય છે. હું મારા સત્ય અને મૂલ્યો સાથે આગળ વધવાનું પસંદ કરીશ. સત્યને કોઈની જરૂર પડતી નથી. ઓમ નમઃ શિવાય.'
યુઝવેન્દ્ર ચહલની તસવીર વાયરલ થઈ
હાલમાં જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે. આ તસવીરમાં યુવતી યુઝવેન્દ્ર ચહલની બરાબર પાછળ ચાલી રહી હતી. યુવતી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. બંને હોટેલમાં પ્રવેશી રહ્યા હતા. આ તસવીર બાદ જે લોકો પહેલાં ધનશ્રીને ટ્રોલ કરી રહ્યા હતા, તેઓ હવે ચહલ પર આરોપો મૂકી રહ્યા છે. જો કે, આ મામલે બંનેમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી.