ક્રિકેટર જ નહીં ઈન્કમ ટેક્સમાં ઈન્સ્પેક્ટર પણ છે યુઝવેન્દ્ર ચહલ, IPLની આવકથી કરોડોમાં છે નેટવર્થ
Yuzvendra Chahal: ઈન્ડિયન ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાની પર્સનલ લાઈફને લઈને હાલમાં ખૂબ ચર્ચામાં છે. પત્ની ધનશ્રી સાથે છૂટાછેડાની અફવાએ હાલ જોર પકડયું છે. યુઝવેન્દ્ર ચહલ હવે IPL 2025માં રમતો દેખાશે. ગત વર્ષે IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ચહલ ક્રિકેટર જ નહીં ઈન્કમ ટેક્સમાં ઈન્સ્પેક્ટર પણ છે. એક રિપોર્ટ પ્રમાણે ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મહિને 44,900થી 1,42,400 રૂપિયા વચ્ચે સેલેરી મળે છે. અહેવાલો પ્રમાણે યુઝવેન્દ્ર ચહલની અંદાજિત કુલ સંપત્તિ રૂ. 45 કરોડ છે. હાલમાં તે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો હિસ્સો નથી. મીડિયા અહેવાલ પ્રમાણે ચહલે હરિયાણાની મહાત્મા ગાંધી કોલેજ ઓફ હેલ્થ સાયન્સિસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
યુઝવેન્દ્ર ચહલ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં
યુઝવેન્દ્ર ચહલ હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે બધું બરાબર નથી. કપલના ડિવોર્સની અફવા પૂરજોશમાં ચાલી રહી છે. ચહલ અને ધનશ્રીએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ધનશ્રીને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે હવે આ અંગે ધનશ્રી વર્માએ મૌન તોડીને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તેણે બુધવારે એક ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલી ભર્યા રહ્યાં. આધારહીન સમાચારો, ફેક્ટ ચેક વિનાના ન્યૂઝ અને અજાણ્યા ટ્રોલ્સે મારું કેરેક્ટર ખરાબ કર્યું. નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મેં મારું નામ અને ઓળખ બનાવવા માટે વર્ષો સુધી મહેનત કરી છે. મારું મૌન એ મારી કમજોરી નથી પરંતુ તાકાત છે. સોશિયલ મીડિયા પર સરળતાથી નેગેટિવિટી ફેલાવી શકાય છે. પરંતુ અન્યોને સાથે લઈને આગળ વધવા માટે હિંમત જોઈએ. મેં મારી હકીકત સાથે અડગ રહીને આગળ વધવાનો નિર્ણય લીધો છે. સચ્ચાઈને પુરાવાની જરૂર નથી હોતી.'
આ પહેલા પણ બંનેના સબંધોમાં ખટપટના સમાચાર સામે આવ્યા હતા
વર્ષ 2022માં પણ બંનેના સબંધોમાં ખટપટના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે ધનશ્રી વર્માએ 'ચહલ' સરનેમ હટાવી દીધી હતી. પરંતુ થોડા સમય બાદ બંનેએ પોસ્ટ કરીને જાણ કરી કે બધું બરાબર છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા.