કપિલદેવને ગોળી મારવા માંગતા હતા યુવરાજ સિંહના પિતા, કહ્યું- પિસ્તોલ લઈને તેના ઘરે ગયેલો
Yograj Singh wanted to shoot Kapil Dev : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ વિશે એક મોટો ખુલાસો કર્યો છે. યોગરાજે કહ્યું હતું કે, એક વાર તે કપિલ દેવને મારી નાખવાના ઇરાદાથી પિસ્તોલ લઈને તેમના ઘરે પહોંચી ગયા હતા. કારણ કે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેથી તે ગુસ્સે થઈ ગયો હતો અને કપિલને મારવા ગયો હતો.
શું કહ્યું યોગરાજ સિંહે?
યોગરાજ સિંહે કહ્યું હતું કે, 'જ્યારે કપિલ દેવ ભારત, ઉત્તર ઝોન અને હરિયાણાનો કેપ્ટન બન્યો હતો ત્યારે તેણે મને કોઈ કારણ વગર બહાર કરી દીધો હતો. મારી પત્ની ઇચ્છતી હતી કે હું કપિલને આ અંગે સવાલ કરું. મેં તેને કહ્યું કે હું હવે કપિલને પાઠ ભણાવીશ. પછી હું પિસ્તોલ લઈને કપિલના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ તે તેની માતા સાથે ઘરની બહાર આવ્યો હતો. મેં તેને કહ્યું કે, તારા કારણે મેં એક મિત્ર ગુમાવ્યો છે અને તે મારી સાથે જે કર્યું છે તેની કિંમત તારે ચૂકવવી પડશે. હું તારા માથામાં ગોળી મારી દઈશ પરંતુ હું એવું નથી કરી રહ્યો કારણ કે તારી માતા અહીં ઉભી છે. પછી મેં શબનમ (યોગરાજ સિંહના પૂર્વ પત્ની) ને ત્યાંથી જવાનું કહ્યું હતું.'
કપિલ દેવ અને બિશન સિંહના રાજકારણના કારણે બહાર થયા યોગરાજ
યોગરાજે ખુલાસો કર્યો હતો કે, 'કપિલ દેવ અને બિશન સિંહ બેદીના કથિત રાજકારણને કારણે ઉત્તર ઝોનની ટીમમાંથી મને બહાર કરવામાં આવ્યા બાદ મેં ક્રિકેટ છોડવાનો નિર્ણય લઇ લીધો હતો. સુનીલ ગાવસ્કર સાથે મારી સારી મિત્રતા હતી. જેથી કરીને સિનિયર ખેલાડીઓએ મને બહાર કરી દીધો હતો. તે ક્ષણથી મેં નક્કી કરી લીધું હતું કે હું ક્રિકેટ નહીં રમું અને આગળ યુવરાજ ક્રિકેટમાં જ પોતાની કારકિર્દી બનાવશે.'