યુવરાજે વર્લ્ડકપ જીતાડ્યો, કેન્સર સામે લડ્યો છતાં કોહલીએ કરિયર ખતમ કર્યું, રોબિન ઉથપ્પાનો આરોપ
Robin Uthappa on Virat Kohli : તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાએ એક એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચાવી દીધો છે. ઉથપ્પાએ એવો દાવો કર્યો છે કે, પોતાની કેપ્ટનશીપ દરમિયાન વિરાટ કોહલીએ યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ કરવામાં મહત્તવની ભૂમિકા ભજવી હતી. તેમના મતે કોહલીએ ફિટનેસનો હવાલો આપીને યુવરાજને ટીમમાં પાછા ફરવાનો રસ્તો રોક્યો હતો.
કડક ફિટનેસ ધોરણોને કારણે યુવરાજને બહાર રખાયો!
યુવરાજ સિંહ એવા ખેલાડીઓમાંથી એક હતો કે જેણે ભારતને વર્ષ 2011નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ કેન્સર જેવા ગંભીર રોગ સામે લડીને મેદાનમાં પાછા ફરેલા યુવરાજ સિંહને કડક ફિટનેસ ધોરણોને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જેને લઈને ઉથપ્પાએ કહ્યું છે કે, યુવરાજે પોતાના ફેફસાંની ક્ષમતા ઓછી હોવા છતાં ટીમમાં સ્થાન મેળવવા માટે જોરદાર પ્રયાસ કર્યો હતો.
શું કહ્યું રોબિન ઉથપ્પાએ?
રોબિન ઉથપ્પાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, 'યુવરાજે ફિટનેસ ટેસ્ટમાં ફક્ત બે પોઈન્ટની છૂટ માંગી હતી. પરંતુ કોહલીએ તેને મંજૂરી આપી ન હતી. આ પછી તેણે ટેસ્ટ પાસ પણ કરી લીધો અને ટીમમાં તેણે સ્થાન પણ મેળવ્યું હતું. પરંતુ ખરાબ ટુર્નામેન્ટ પછી તેને સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો. યુવી એ જ ખેલાડી છે કે જેણે આપણને વર્લ્ડકપ જીતાડ્યો હતો. કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડ્યા બાદ તેણે વાપસી કરી હતી. પરંતુ કેપ્ટન કોહલીએ ફિટનેસના મામલે તેને કોઈ છૂટ આપી ન હતી.'
કોહલીએ યુવરાજને જરૂરી સમર્થન ન આપ્યું
યુવરાજને લઈને ઉથપ્પાએ વધુમાં કહ્યું કે, 'યુવરાજ સાથે કરવામાં આવેલું આવું વર્તન તેની કારકિર્દી માટે ઘાતક સાબિત થયું હતું. એક ખરાબ ટુર્નામેન્ટ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેને પાછા ફરવાની તક પણ આપવામાં આવી ન હતી. જ્યારે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન બન્યો ત્યારે યુવરાજને જરૂરી સમર્થન આપ્યું ન હતું.'