હું ડેબ્યૂ મેચમાં શૂન્ય પર આઉટ થયો ત્યારે યુવરાજ સિંહ ખૂબ ખુશ હતો: ભારતીય બેટરનું નિવેદન
Ind vs Zim: ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. શુભમન ગીલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સીરીઝ રમવા મેદાનમાં ઉતરી છે. પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ યુવા ભારતીય ઓપનર અભિષેક શર્માએ વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ઇનિંગની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામે 100 રનની મોટી જીત નોંધાવી હતી. જીત બાદ અભિષેકે ખુલાસો કર્યો કે, જ્યારે તે પહેલી મેચમાં ડેબ્યૂ કરતી વખતે શૂન્ય પર આઉટ થયો ત્યારે તેનો મેન્ટર યુવરાજ સિંહ ઘણો ખુશ હતો.
અભિષેકે ઝિમ્બાબ્વે સામેના પ્રવાસમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું પરંતુ તે ખાતું ખોલ્યા વિના પરત ફર્યો હતો. ઝિમ્બાબ્વેએ ભારતને 116 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ સમગ્ર ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે આ મેચ 13 રને જીતી લીધી હતી. અભિષેકે શાનદાર કમબેક કરીને બીજી T20માં માત્ર 47 બોલમાં 100 રન બનાવ્યા, જેના કારણે ભારત મેચ 100 રનથી જીતવામાં સફળ રહ્યું.
BCCI એ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં અભિષેકે કહ્યું કે, “મેં ગઈકાલે યુવરાજ સાથે વાત કરી હતી અને મને ખબર નથી કે જ્યારે હું શૂન્ય પર આઉટ થયો ત્યારે તે આટલો ખુશ કેમ હતો. તેણે કહ્યું કે આ એક સારી શરૂઆત છે પરંતુ હવે તે મારા પરિવારની જેમ ખુશ થશે અને તેને મારા પર ગર્વ થશે.
અભિષેકે યુવરાજનો આભાર માન્યો હતો કે, તેણે માત્ર ક્રિકેટના મેદાનમાં તેની કુશળતામાં સુધારો કર્યો જ નહીં પરંતુ તેને મેદાનની બહાર પણ સપોર્ટ કર્યો.
વધુમાં અભિષેકે કહ્યું કે, “હું આજે જે કંઈ છું તેમાં તેણે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે મને અહીં લાવવા માટે સખત મહેનત કરી. તેણે માત્ર ક્રિકેટના મેદાન પર જ મારી આવડતને જ નહીં પરંતુ મેદાનની બહાર એટલે કે, મારા જીવનમાં પણ મને ઘણી મદદ કરી છે.
રવિવારે રમાયેલી મેચ બાદ અભિષેકે યુવરાજ સાથે વાત કરી હતી. યુવરાજે કહ્યું, "શાબાશ, મને તમારા પર ગર્વ છે. તમે આના હકદાર છો.. આ તો માત્ર શરૂઆત છે. તમે ભવિષ્યમાં આવી ઘણી ઇનિંગ્સ રમશો.”