મારે તેના ગુલાબી જૂતાં પહેરીને જવું પડ્યું...: ફેમસ અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો યુવરાજ સિંહ, ખુદ સંભળાવ્યો કિસ્સો
Yuvraj Singh : ભારતીય ક્રિકેટ ટીમના હીરો રહેલા યુવરાજ સિંહે 2007-08 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની એક ઘટનાને લઈને એક રોચક કિસ્સો શેર કર્યો છે. તે સમયે યુવરાજની ટેસ્ટ કારકિર્દી બરાબર ચાલી રહી ન હતી. ઘણી તકો મળવા છતાં પણ તે ટેસ્ટ ટીમનો મહત્ત્વનો ભાગ બની શક્યો નહોતો.
યુવરાજે શેર કરેલો કિસ્સો પહેલેથી જ ખૂબ જ લોકપ્રિય છે. આ ટુર્નામેન્ટ દરમિયાન જ સિડનીમાં પ્રખ્યાત 'મંકીગેટ' ઘટના બની હતી. જેના કારણે હરભજન સિંહ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. યુવરાજના કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું હતું.
યુવરાજે જણાવ્યું હતું કે, 'તે સમયે હું એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો, હું તેનું નામ નહીં લઉં. તે હાલમાં ખૂબ જ સારું કરી રહી છે અને ઘણી અનુભવી પણ છે. એ સમયે તે એડિલેડમાં શૂટિંગ કરી રહી હતી. મેં તેને કહ્યું કે, આપણે થોડા દિવસ મળીશું નહીં, કારણ કે હું ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છું, અને અત્યારે હું મારું સંપૂર્ણ ધ્યાન ટુર્નામેન્ટ પર કેન્દ્રિત કરવા માંગું છું, પરંતુ તે મારી પાછળ-પાછળ કેનબેરા સુધી પહોંચી ગઈ હતી. ત્યારે પહેલી બે ટેસ્ટ મેચમાં હું રન જ ન કરી શક્યો. મેં તેને કહ્યું, તું અહીં શું કરી રહી છો? જવાબમાં તેણે કહ્યું, હું તારી સાથે સમય પસાર કરવા માંગું છું. ત્યારે અમે રાત્રે મળ્યા અને વાત કરી. મેં તેને કહ્યું કે તારે તારી કારકિર્દી પર ધ્યાન આપવાની જરૂર છે અને મારે મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે હું અત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છું અને તું જાણે છે કે તેનો અર્થ શું છે. ત્યારબાદ અમે કેનબેરાથી એડિલેડ જઈ રહ્યા હતા ત્યારે તેણે મારી સૂટકેસ પેક કરી દીધી હતી.'
પોતાની વાત આગળ વધારતાં યુવરાજે જણાવ્યું હતું કે, 'સવારે હું મારા બૂટ શોધી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું કે, મેં તારા બૂટને પેક કરી દીધા છે, મેં કહ્યું, તો હું હવે બસ સુધી કેવી રીતે પહોંચીશ. તેણે મને કહ્યું કે, તું મારા બૂટ પહેરી લે, તેની પાસે ગુલાબી રંગના બૂટ હતા, તે પહેરીને મારે બસ સુધી જવું પડ્યું હતું. શરમથી મેં મારી બેગને બૂટની આગળ મૂકીને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્ય ખેલાડીઓએ તે જોયું અને તેઓ તાળીઓ પાડવા માંડ્યા હતા, પછી મારે એ ગુલાબી બૂટ પહેરીને ઍરપૉર્ટ જવું પડ્યું, પછી મેં ત્યાં જઈને નવા બૂટ ખરીદ્યા હતા.'
આ પણ વાંચોઃ રોહિત, કોહલી અને ધોનીના સવાલ પર ફસાયો યુવરાજ, કહ્યું- કોઈનું નામ લઇશ તો હેડલાઈન...
જો કે યુવરાજ સિંહ આ પ્રવાસમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેને માત્ર બે ટેસ્ટ મેચ રમવા મળી હતી. અને આ મેચોની ચાર ઇનિંગ્સમાં તેણે માત્ર 17 રન બનાવ્યા હતા. ભારત આ સીરિઝ 2-1થી હારી ગયું હતું. ચાર ટેસ્ટ મેચોની આ સીરિઝમાં એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.