મારા પિતાને માનસિક સમસ્યા પણ...: ધોની-કપિલદેવ પર વિવાદિત નિવેદન બાદ યુવરાજ સિંહનું જૂનું નિવેદન વાઈરલ
Yuvraj Singh On His Father: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે હાલમાં એક ઇન્ટરવ્યુમાં આપેલા નિવેદનને લઈને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતાએ કપિલ દેવથી લઈને એમએસ ધોની સુધીના દરેક દિગ્ગજ ખેલાડીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
સોશિયલ મીડિયા પર યોગરાજ સિંહનો આ ઇન્ટરવ્યુ વાઈરલ થયો હતો. તેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે તેમનું માનસિક સંતુલન બરાબર નથી. આ દરમિયાન હવે તેમના પુત્ર યુવરાજ સિંહનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્વીકારી રહ્યો છે કે, મારા પિતાને માનસિક સમસ્યા છે, જેનો હું સ્વીકાર કરું છું.
યુવરાજ તે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે મારા પિતાને માનસિક સમસ્યા છે, પરંતુ તેઓ આ બાબતને સ્વીકારવા માંગતા નથી, મને લાગે છે કે તેમને ધ્યાન આપવાની જરૂર છે, જે રીતે હું તેમની આ સ્થિતિને સ્વીકારું છું, પરંતુ તેમને થેરાપીની જરૂર છે જે તેઓ સ્વીકારવા તૈયાર નથી. એવું છે કે તમે તેમને બદલી શકતા નથી, હું તેમને અપસેટ કરવા માંગતો નથી.'
યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં ધોની પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'હું ધોનીને ક્યારેય માફ નહીં કરું. તેણે પોતાનો ચહેરો અરીસામાં જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર વિરુદ્ધ જે કર્યું તે બધું હવે સામે આવી ગયું છે. તેણે મારા પુત્રનું જીવન બરબાદ કરી નાખ્યું હતું. યુવરાજ હજુ 4થી 5 વર્ષ રમી શક્યો હોત.'
આ પણ વાંચો: રવીન્દ્ર જાડેજાનો વાંક નથી, મારો છે...: ટીમમાં સામેલ થવા મુદ્દે અશ્વિને કેમ કહ્યું આવું?
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવ વિશે યોગરાજ સિંહે કહ્યું હતું કે, 'હું લોકોને જીવનમાં દેખાડવા માંગુ છું કે યોગરાજ કોણ છે, જેમને તમે નીચે ઉતાર્યા હતો, આજે આખી દુનિયા મારા પગ નીચે છે. અને મને સલામ કરે છે, જેમણે પણ મારી સાથે ખરાબ કર્યું છે, તેમાંના કેટલાકને કેન્સર છે, કોઈએ પોતાનું ઘર ગુમાવ્યું છે, તો કેટલાક મૃત્યુ પામ્યા છે અને કેટલાકને ઘરે પુત્ર નથી. તમે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું, તે વ્યક્તિ તમારા સૌથી મહાન કૅપ્ટન કપિલ દેવ છે, મેં તેને કહ્યું કે હું તારી એવી હાલત કરીશ કે પૂરી દુનિયા તારા પર થૂંકશે, આજે યુવરાજ સિંહ પાસે 13 ટ્રોફી છે અને તારી પાસે માત્ર એક જ વર્લ્ડકપ છે.'