'હું અને ધોની કલોઝ ફ્રેન્ડ નહોતા', જાણો યુવરાજ સિંહે શા માટે કહી આ વાત
યુવરાજ સિંહે વર્ષ 2019માં ક્રિકેટથી નિવૃત્તિની જાહેર કરી હતી
Image:Screengrab |
Yuvraj Singh On MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પૂર્વ ખેલાડી યુવરાજ સિંહને લઈને સોશ્યલ મીડિયા પર ઘણી વાતો થતી હોય છે. કેટલાંક લોકો એવું માને છે કે યુવરાજ સિંહનું કરિયર જલ્દી ખત્મ થવા પાછળ ધોનીનો હાથ રહ્યો છે. કેટલાંક લોકો એવું પણ માને છે કે ધોનીના કારણે યુવરાજ સિંહ ક્યારેય ભારતીય ટીમનો કેપ્ટન ન બની શક્યો હતો. આ તમામ વાતો વચ્ચે હવે યુવરાજ સિંહે ધોની સાથે તેના સંબંધોને લઈને ખુલાસો કર્યો છે.
મારા કેટલાક નિર્ણયો તેને પસંદ ન આવ્યા - યુવરાજ સિંહ
એક યુટ્યુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન યુવરાજે ખુલાસો કર્યો હતો કે તે અને ધોની મિત્ર ન હતા. યુવરાજ સિંહે કહ્યું હતું કે, 'અમે કલોઝ ફ્રેન્ડ નહોતા. અમે ક્રિકેટના કારણે મિત્રો હતા, હું તેનાથી બિલકુલ અલગ હતો. અમે ચોક્કસપણે મિત્રો ન હતા, જ્યારે અમે બંને એક સાથે મેદાન પર રહેતા ત્યારે અમે બંનેએ અમારું 100% આપ્યું. તે કેપ્ટન હતો અને હું વાઇસ-કેપ્ટન હતો. તેણે લીધેલા કેટલાક નિર્ણયો મને યોગ્ય ન લાગ્યા અને મારા કેટલાક નિર્ણયો તેને પસંદ ન આવ્યા. આવું દરેક ટીમ સાથે થાય છે. ટીમને આગળ લઈ જવા માટે આવી વસ્તુઓ થતી રહે છે.
ધોનીએ મને કહ્યું હતું કે મેનેજમેન્ટ મારા વિશે વિચારી રહ્યું નથી- યુવરાજ સિંહ
યુવરાજ સિંહે આગળ જણાવ્યું હતું કે, 'જ્યારે હું મારા કરિયરના અંતિમ સમયમાં હતો ત્યારે મેં તેને મારા કરિયર વિશે પૂછ્યું હતું. તે સમય ODI World Cup 2019 પહેલાનો હતો. ત્યારે માહીએ મને સીધું જ કહ્યું હતું કે મેનેજમેન્ટ તારા વિશે વિચારી રહ્યું નથી. ધોનીએ જ મને સ્પષ્ટ રીતે આ કહ્યું હતું. તેણે જે કહ્યું તે મને ગમ્યું, પછી મેં નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. હવે જ્યારે પણ અમે બંને એકબીજાથી મળીએ છીએ ત્યારે સરસ રીતે મળીએ છીએ. મને તેની સાથે કોઈ સમસ્યા નથી. આ બધું રમતનો એક ભાગ છે અને અંતે તમારે ફક્ત ટીમ માટે જ વિચારવાનું છે.'