લેજેન્ડ્સ ક્રિકેટ : ચોગ્ગા-છગ્ગા લગાવતો નજરે પડશે યુવરાજ સિંહ, ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સે બનાવ્યો કેપ્ટન
Yuvraj Singh joins New York Strikers as captain: ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને બુધવારે આગામી લેજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફી (LCT) સિઝન2 માટે ન્યૂયોર્ક સુપરસ્ટાર સ્ટ્રાઇકર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં બાબર આઝમ, રાશિદ ખાન, કીરોન પોલાર્ડ, ઈમામ ઉલ હક, નસીમ શાહ, મથીશા પથિરાના, રહેમાનુલ્લાહ ગુરબાઝ, આસિફ અલી અને મોહમ્મદ આમિર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સે આપી જાણકારી
ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સે આ બાબતે જણાવ્યું હતું કે, યુવરાજને સામેલ કરવાથી ટીમમાં કુશળતા, કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતા વધશે. જેના કારણે ટુર્નામેન્ટની આગામી સીઝનમાં નેતૃત્વ કરવા માટે ન્યૂયોર્ક સુપરસ્ટાર સ્ટ્રાઇકર્સને મજબૂત બનાવે છે. આ ટુર્નામેન્ટ 90 બોલના ફોર્મેટમાં 7 થી 18 માર્ચ દરમિયાન શ્રીલંકાના કેન્ડીમાં યોજાશે.
આવું રહે છે ટુર્નામેન્ટનું ફોર્મેટ
આ ટુર્નામેન્ટની પ્રથમ સિઝન 20 ઓવરના ફોર્મેટમાં ગયા વર્ષે 22 થી 30 માર્ચ દરમિયાન ગાઝિયાબાદમાં યોજાઈ હતી. ફાઈનલ મેચમાં વરસાદના કારણે ઈન્દોર નાઈટ્સ અને ગુવાહાટી એવેન્જર્સને તે સિઝનના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. લેજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફીના આ 90 બોલના ફોર્મેટમાં દરેક ટીમ, પાંચ બોલર ત્રણ ઓવર ફેંકી શકે છે. બોલિંગ ટીમનો કેપ્ટન 60માં બોલ સુધીમાં ચાર ઓવર નાખવા માટે એક બોલરને પસંદ કરી શકે છે.