ધોની બાદ હવે યુવરાજ સિંહની પણ બનશે બાયોપિક, T-Series દ્વારા કરાઈ જાહેરાત

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ધોની બાદ હવે યુવરાજ સિંહની પણ બનશે બાયોપિક, T-Series દ્વારા કરાઈ જાહેરાત 1 - image
Image Twitter 

Yuvraj Singh Biopic Announced :   યુવરાજ સિંહ…ટીમ ઇન્ડિયાનો એવો ખેલાડી જેણે માત્ર એક નહીં, પરંતુ બે-બે વર્લ્ડ કપ જીત્યા છે. એ ખેલાડી જેણે T20 ક્રિકેટમાં 6 બોલમાં 6 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી છે. એ ખેલાડી જેણે કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી છે. યુવરાજ સિંહના જીવનની આ હકીકત તો દરેક લોકો જાણે છે. પરંતુ હવે આ ખેલાડીના દરેક રહસ્ય તેના ફેન્સ સામે આવવાના છે. હકીકતમાં યુવરાજ સિંહના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેની T-Series દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી.

યુવરાજ પર ફિલ્મ બનશે

ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં યુવરાજ સિંહની બાયોપિક બનશે અને અને તે સમગ્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પણ ધૂમ મચાવશે. આ પહેલા યુવરાજના મિત્ર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર પણ એક ફિલ્મ બની હતી, જે સુપરહિટ સાબિત થઈ હતી. હવે યુવરાજ પણ બોલિવૂડની પીચ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. જો કે આ ફિલ્મમાં યુવીની ભૂમિકા કોણ ભજવશે, એ અંગે ઘણાં અભિનેતાઓ સાથે વાત ચાલી રહી છે. 

આ પણ વાંચો: - આ IPL ટીમમાં મેન્ટર બની શકે છે ઝહીર ખાન, ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત શરૂ

યુવરાજનું જીવન કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી!

યુવરાજનું જીવન અને કરિયર કોઈ ફિલ્મ સ્ક્રિપ્ટથી કમ નથી. તેની જિંદગીમાં એક્શન, ડ્રામા, ટ્રેજેડી બધું જ છે. યુવરાજ સિંહ ક્યારેય ક્રિકેટર બનવા નહોતો માંગતો. પરંતુ તેના પિતા યોગરાજ સિંહની જીદના કારણે તે ક્રિકેટર બન્યો. યુવરાજને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પાસે પણ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમણે યોગરાજને કહ્યું કે, તેનો દીકરો ક્યારેય ક્રિકેટર નહીં બની શકે. આ પછી ખુદ યોગરાજે જ યુવરાજને ટ્રેનિંગ આપીને ચેમ્પિયન ક્રિકેટર બનાવ્યો.

આ પણ વાંચો: - આ મેચથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે મોહમ્મદ શમી, સર્જરીના કારણે હતો બહાર

યુવરાજને કેન્સર છે તે વર્ષ 2011માં જાણવા મળ્યું હતું

વર્ષ 2011 વર્લ્ડ કપ દરમિયાન જ યુવરાજ સિંહને કેન્સર થયું હતું. તેમ છતાં આ ખેલાડીએ ન માત્ર આખી ટુર્નામેન્ટ રમી, પરંતુ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ઍવૉર્ડ પણ જીત્યો. હકીકતમાં આ તો  માત્ર તેની એક ઝલક છે, યુવરાજ પર આવનારી ફિલ્મમાં ઘણું બધું જોવા મળશે.



Google NewsGoogle News