બાળપણમાં જ થયો લકવો તો માતાએ ફિઝિયોથેરાપીસ્ટ બની કરી સેવા: હવે પુત્રએ સિલ્વર મેડલ જીતી નામ રોશન કર્યું

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
બાળપણમાં જ થયો લકવો તો માતાએ ફિઝિયોથેરાપીસ્ટ બની કરી સેવા: હવે પુત્રએ સિલ્વર મેડલ જીતી નામ રોશન કર્યું 1 - image

Paris Paralympics 2024, Yogesh Kathuniya: પેરિસ પેરાલિમ્પિકસ 2024માં ભારતીય એથ્લીટ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતે 9 મેડલ જીતી લીધા છે. યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્કસ થ્રો F-56 કેટેગરીમાં ભારત માટે 8મો મેડલ જીત્યો હતો. તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. યોગેશે 44.22 મીટરનો થ્રો કરીને આ મેડલ પોતાના નામે કર્યો હતો. યોગેશે સતત બીજીવાર પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યોગેશ કથુનિયા માટે પેરાલિમ્પિકસમાં રમવાની અને મેડલ જીતવાની સફર ઘણી કઠીન રહી હતી. આ સફળતામાં તેની માતાની સૌથી મોટી ભૂમિકા છે.

યોગેશ કથુનિયાનો જન્મ દિલ્હી ખાતે 3 માર્ચ 1997ના રોજ થયો હતો. તેમના પિતા જ્ઞાનચંદ કથુનિયા આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે તેના માતા મીના દેવી ગૃહિણી છે. યોગેશ 8 વર્ષનો હતો ત્યારે તેને લકવો થઈ ગયો હતો. તે ગીલીયન-બેરે સિન્ડ્રોમ નામની બીમારીનો શિકાર બની ગયો હતો. જેના કારણે તેના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. તેના માતાપિતાએ ઘણાં લાંબા સમય તેની સારવાર કરી હતી, ત્યારબાદ તેના હાથ કામ કરવા લાગ્યા. પરંતુ તેના પગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

માતાએ ફિઝિયોથેરાપી વિશે શીખ્યું

આ પરિસ્થિતિ વચ્ચે યોગેશની માતા મીના દેવીએ ફિઝિયોથેરાપી વિશે શીખ્યું હતું. તેમણે લગભગ 3 વર્ષ સુધી યોગેશની સારવાર કરી હતી. તેની માતાની મહેનતના કારણે તે 12 વર્ષની ઉંમરે ફરીથી ચાલવા લાગ્યો જતો. યોગેશે ચંદીગઢની ઈન્ડિયન આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અહીંથી જ તેણે ડિસ્કસ થ્રો અને જેવલિન રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન તેણે ડિસ્કસ થ્રો માટેનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. અને અહીંથી તેની કારકિર્દી આગળ વધી હતી.

આ પણ વાંચો: ટ્રેન દુર્ઘટનામાં ગુમાવ્યા પગ, મહિનાઓ સુધી પથારીમાં રહ્યો... હવે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ કર્યું રોશન

આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મિત્રએ મદદ કરી

યોગેશે જણાવ્યું હતું કે, 'મારે એકવાર પેરિસમાં યોજાનારી ઓપન ગ્રાન્ડ પ્રિકસ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જવાનું હતું. આ માટે મારે ટિકિટ અને અન્ય ખર્ચ માટે 86 હજાર રૂપિયાની જરૂર હતી. પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. ત્યારે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મારા મિત્ર સચિન યાદવે મદદ કરી હતી.' મહત્ત્વની બાબતએ હતી કે યોગેશે તે ચેમ્પિયનશીપમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય યોગેશે વર્ષ 2018માં પંચકુલામાં આયોજિત નેશનલ ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.


Google NewsGoogle News