IND vs ENG : વિશાખાપટ્ટનમ ટેસ્ટના પહેલા દિવસે યશસ્વી જયસ્વાલે બનાવ્યા ઘણા રેકોર્ડ, ગાવસ્કરની કરી બરાબરી
પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાને 336 રન હતો
યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને અણનમ રહ્યો હતો
Image: Twitter |
Yashasvi Jaiswal Record : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પહેલા દિવસે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાને 336 રન હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જયસ્વાલે પ્રથમ દિવસે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા.
સૌથી વધુ રન બનાવવાની યાદીમાં સેહવાગ ટોપ પર
ભારત માટે ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરેન્દ્ર સેહવાગ ટોપ પર છે. વર્ષ 2004માં મુલ્તાન ટેસ્ટના પહેલા દિવસે સેહવાગે 228 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગઈકાલે યશસ્વી જયસ્વાલે 179 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ ભારત માટે ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
પહેલા દિવસે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં જયસ્વાલ છઠ્ઠા સ્થાને
વિરેન્દ્ર સેહવાગે મુલતાન ટેસ્ટ પહેલા મેલબર્નમાં પહેલા દિવસે 195 રન બનાવ્યા હતા. આ પછી વસીમ જાફર બીજા સ્થાને છે. વસીમ જાફરે વર્ષ 2007માં કોલકાતામાં પાકિસ્તાન સામે 192 રનની ઇનિંગ રમી હતી. શિખર ધવન 190 રન સાથે ચોથા ક્રમે છે. ત્યારબાદ સેહવાગ 180 રન સાથે પાંચમા સ્થાને છે. આ પછી યશસ્વી જયસ્વાલ છઠ્ઠા સ્થાને આવી ગયા છે.
જયસ્વાલે કરી ગાવસ્કરની બરાબરી
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં કરુણ નાયર ટોપ પર છે. કરુણ નાયરે વર્ષ 2016માં ચેન્નઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 232 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર અને યશસ્વી જયસ્વાલે 179-179 રન બનાવ્યા છે.