પહેલા બોલે 13 રન! ભારતના યુવા ક્રિકેટરે કોઈએ ધાર્યું નહીં હોય એવું કરી બતાવ્યુ, ગજબ રેકોર્ડ બનાવી દીધો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી 5 મેચની T20 શ્રેણી ભારતે 4-1થી જીતી લીધી છે. આ શ્રેણી પ્રથમ મેચ બાદ ખાસ્સી એકતરફી રહી. પ્રથમ મેચ જીતવા છતાં યજમાન ટીમ સતત ચાર મેચ હારી હતી. ભારતે છેલ્લી T20 મેચ 42 રનના વિશાળ માર્જિનથી જીતીને શ્રેણી 4-1થી કબજે કરી હતી.
પહેલા બોલે 13 રન!
આ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં કંઈક એવું બન્યું જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે એક નવો જ ઇતિહાસ રચી દીધો. તેણે ભારતની ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર 13 રન બનાવ્યા હતા. જે એક અનોખો રેકોર્ડ છે.
કેવી રીતે બન્યું આવું?
છેલ્લી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનની ફિફ્ટીના આધારે 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જો કે આ મેચમાં ભારતે ઓપનર્સ જયસ્વાલ અને ગિલ સાથે વનડાઉન અભિષેક શર્માની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. પાછળથી સંજુ, રિયાન પરાગ અને દુબેએ બેટિંગ કરીને સારો સ્કોર કર્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
યશસ્વી જયસ્વાલનો નવો રેકોર્ડ
ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વે સામે પ્રથમ બેટિંગ કરવા આવી હતી. બોલિંગ કરવાનો નિર્ણય લેનાર કેપ્ટન સિકંદર રઝા પોતે પહેલી ઓવર નાખવા આવ્યો હતો. અગાઉની મેચમાં પણ ઝિમ્બાબ્વેએ સ્પિનર્સથી મેચની શરૂઆત કરવાનું જોખમ લીધું હતું. પરંતુ અગાઉ બેનેટને શરૂઆતની ઓવર્સમાં ભારતીય ઓપનર્સે બરાબર ધોઈ નાખ્યો હોવાથી આજે કેપ્ટન રઝાએ બોલ હાથમાં લીધો હતો. યશસ્વી જયસ્વાલે કેપ્ટન શુભમન ગીલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી અને પહેલા જ બોલ પર એક જોરદાર સિક્સર ફટકારી હતી. બોલ ફૂલટોસ હતો જેને યશસ્વીએ યોગ્ય સ્થાને પહોંચાડી દીધો હતો. આ બોલને અમ્પાયર દ્વારા નો બોલ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ રઝાએ ફેંકેલા બીજા બોલને પણ યશસ્વીએ ટપ્પો પડ્યા વગર બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો. આમ એક બોલમાં યશસ્વીએ 13 રન બનાવી દીધા હતા. જે T20 ક્રિકેટના ઇતિહાસમાં એક રેકોર્ડ છે.