રાજકોટ ટેસ્ટઃ યશસ્વી જયસ્વાલે ફટકારી ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી, વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો
રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકાર્યા બાદ જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયો હતો
Image:Twitter |
Yashasvi Jaiswal Double Century : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને બેવડી સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે 231 બોલમાં બેવડી સદી ફટકારી હતી, જેમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ છે. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ બીજી બેવડી સદી છે. આ સાથે જયસ્વાલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે બે બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર પણ બની ગયો છે.
સદી ફટકાર્યા બાદ થયો હતો રિટાયર્ડ હર્ટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલ સદી ફટકાર્યા બાદ લાંબા સમય સુધી મેદાન પર રહી શક્યો ન હતો, તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. યશસ્વી જયસ્વાલને બેટિંગ કરતી વખતે પીઠનો દુખાવો થતો હતો અને તેના ડાબા પગમાં ખેંચાણ થયું હતું.
જયસ્વાલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં તેણે ઇંગ્લેન્ડના સૌથી અનુભવી બોલર જેમ્સ એન્ડરસન સામે છગ્ગાની હેટ્રિક ફટકારી હતી. આ ત્રણ છગ્ગા સાથે જયસ્વાલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક સીરિઝમાં 20 છગ્ગા મારનાર પ્રથમ બેટર બની ગયો છે. તેના પહેલા ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ બેટર આવું કરી શક્યો નથી. આ સાથે જ તે ભારત માટે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટર બની ગયો છે. યશસ્વી જયસ્વાલે 12 છગ્ગા ફટકાર્યા છે.