યશસ્વીએ સેહવાગ-રોહિતનો મહારેકોર્ડ તોડ્યો, પહેલી ઓવરમાં જ સ્ટાર્કનો ઉધડો લઈ નાખ્યો
IND Vs AUS, Yashasvi Jaiswal : સિડની ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટના બીજા દિવસની બીજી ઇનિંગમાં ભારતે મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે પહેલી જ ઓવરમાં સ્ટાર્કની સામે 4 ચોગ્ગા ફટકારીને 16 રન બનાવ્યા હતા અને ચોગ્ગાની મદદથી તેણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. હકીકતમાં જયસ્વાલે બનાવેલા આ 16 રન કોઇપણ ભારતીય બેટરે ટેસ્ટ મેચોમાં પહેલી ઇનિંગની એક ઓવરમાં બનાવેલા સૌથી વધુ રન છે. આ બાબતમાં યશસ્વીએ વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
એક ઓવરમાં ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર બેટર
16 રન - યશસ્વી જયસ્વાલ, ઓસ્ટ્રેલિયા સામે, સિડની, 2025
13 રન - રોહિત શર્મા, ઓસ્ટ્રેલિયા સામે, નાગપુર, 2023
13 રન - વીરેન્દ્ર સેહવાગ, પાકિસ્તાન સામે, કોલકાતા, 2005
પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 185 રનમાં સંમેટાઈ
જો કે તે પોતાની ઇનિંગ્સને વધુ લંબાવી શક્યો ન હતો અને માત્ર 22 રનમાં સ્કોટ બોલેન્ડનો હાથે આઉટ થઇ ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ 3 જાન્યુઆરીના રોજ સિડનીમાં શરૂ થઈ હતી. પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 185 રનમાં સંમેટાઈ ગઈ હતી. ભારત માટે રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે સ્કોટ બોલેન્ડે 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 181 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બઉ વેબસ્ટરે પહેલી ઇનિંગમાં સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી પહેલી ઇનિંગમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે કેપ્ટન જસપ્રીત બુમરાહ અને નીતિશ રાણાએ 2-2 વિકેટ લીધી હતી.