જયસ્વાલની વધુ એક 'યશસ્વી' સિદ્ધિ, ગાવસ્કરનો 51 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત, હવે આ મામલે પહેલો ભારતીય
Yashasvi Jaiswal : હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. યશસ્વીએ પહેલી ઇનિંગમાં 56 અને બીજી ઈનિંગમાં 10 રન બનાવ્યા હતા.
આ મેચ દરમિયાન યશસ્વીએ એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. યશસ્વીએ પહેલી 10 ટેસ્ટ મેચો બાદ સૌથી વધુ રન કરનાર ભારતીય બેટર બની ગયો છે. ગાવસ્કરે તેની પહેલી 10 ટેસ્ટ મેચમાં 978 રન બનાવ્યા હતા. હવે યશસ્વીએ ગાવસ્કરનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પણ વાંચોઃ IND vs BAN: ચાલુ મેચમાં એવું તો શું થયું કે ઋષભ પંતે માંગવી પડી માફી?
પહેલી 10 ટેસ્ટ બાદ યશસ્વીએ 1094 રન બનાવ્યા છે. આ દરમિયાન યશસ્વીની સરેરાશ 64.35 રહી હતી. યશસ્વીએ ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. જેમાં યશસ્વીનો સ્ટ્રાઈક રેટ 68.28 રહ્યો છે. જયસ્વાલ 10 ટેસ્ટ મેચ બાદ સૌથી વધુ રન કરનાર ખેલાડીઓની યાદીમાં ચોથા ક્રમે છે. તેનાથી આગળ ડોન બ્રેડમેન, એવર્ટન વીક્સ અને જ્યોર્જ હેડલી છે.
પહેલી 10 ટેસ્ટ પછી સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ
ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) – 1446 રન
એવર્ટન વીક્સ (વેસ્ટ ઈન્ડિઝ) – 1125 રન
જ્યોર્જ હેડલી (વેસ્ટ ઈન્ડિઝ) – 1102 રન
યશસ્વી જયસ્વાલ (ભારત) – 1094 રન
માર્ક ટેલર (ઓસ્ટ્રેલિયા) - 1088 રન