ઈંગ્લેન્ડ પર ત્રીજી ટેસ્ટમાં જીતથી ભારતને ફાયદો, ઓસ્ટ્રેલિયાને છોડ્યું પાછળ, જુઓ પોઈન્ટ ટેબલ
WTC Points Table : ભારતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝનો ત્રીજો મુકાબલો જીતી લીધો છે. ભારતે રાજકોટમાં મહેમાન ટીમને 434 રનથી હરાવી છે. આ ટેસ્ટ ઈતિહાસમાં રનોના અંતરથી ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2021માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. આ મોટી જીતથી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ જીતવા પર ભારતની પાસે સાત મેચોમાં 50 પોઈન્ટ થઈ ગયા છે. ભારતના પોઈન્ટ ટકાવારી 59.52 થઈ ગયા છે. ભારતે 55 ટકા પોઈન્ટવાળી ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ રાખી દીધી છે. ભારત હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ચૂક્યું છે.
ન્યૂઝીલેન્ડ ટોપ પર
દક્ષિણ આફ્રીકા પર બીજી ટેસ્ટમાં જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ હતી. તેની પોઈન્ટ ટકાવારી 75.00 છે. તેમણે અત્યાર સુધી ચાર ટેસ્ટ રમી છે અને ત્રણ મેચ જીતી છે. એકમાં ટીમને હાર મળી છે. ઓસ્ટ્રેલિયાએ 2023-25 સત્રમાં 10 ટેસ્ટ રમી છે અને છમાં જીત મેળવી છે. ત્રણમાં કાંગારુઓને હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રો રહી છે. ભારતે સાત ટેસ્ટ રમી છે અને ચાર જીતી છે. ટીમ ઈન્ડિયાને બે મેચમાં હાર મળી છે. એક ટેસ્ટ ડ્રો રહી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલ
મેચમાં શું થયું?
ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવી દીધું છે. રાજકોટમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં જ સમેટાઈ ગઈ. માર્ક વુડને છોડીને ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન 20નો આંકડો પણ આંબી શક્યો નથી. વુડે 15 બોલમાં 33 રન બનાવ્યા. તો ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી. આ સિવાય કુલદીપને બે વિકેટ મળી. બુમરાહ અને અશ્વિનને એક-એક વિકેટ મળી. ભારતે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હૈદરાબાદમાં પહેલી ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી. ત્યારે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ ભારત જીત્યું હતું.
ભારતે રાજકોટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 445 રન બનાવ્યા હતા, તો ઈંગ્લેન્ડની પેહલી ઈનિંગ 319 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. પહેલી ઈનિંગના આધારે ભારતે બીજી ઈનિંગમાં 126 રનની લીડ મળી હતી. પોતાની બીજી ઈનિંગ ભારતે ચાર વિકેટ પર 430 રન બનાવીને જાહેર કરી દીધી હતી. કુલ લીડ 556 રનની થઈ. 557 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લિશ ઈનિંગ 122 રન પર સમેટાઈ ગઈ. સીરીઝનો ચોથા મુકાબલો 23 ફેબ્રુઆરીએ રાંચીમાં રમાશે.
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેવી રીતે મળે છે પોઈન્ટ?
મેચ જીતવા પર 12 પોઈન્ટ આપવામાં આવે છે. મેચ ટાઈ થવા પર 6, ડ્રો થવા પર 4 અને હારવા પર કોઈ પોઈન્ટ નથી મળતો. તો સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર કુલ 12 પોઈન્ટ જ મળે છે. જો 5 ટેસ્ટની સીરીઝ છે, તો સીરીઝના કુલ પોઈન્ટ 60 થશે.
જ્યારે પર્સેન્ટેજ ઓફ પોઈન્ટ્સની વાત કરીએ તો મુકાબલો જીતવા પર 100, ટાઈ પર 50, ડ્રો થવા પર 33.33 ટકાના હિસાબથી પોઈન્ટ્સ મળે છે. મેચ હારવા પર કોઈ ટકાવારી પોઈન્ટ્સ નહીં મળે. પોઈન્ટ્સ ટેબલમાં ટીમોની સ્થિતિ પર્સન્ટેજ ઓફ પોઈન્ટ્સના આધાર પર જ નક્કી થાય છે.
ટકાવારી પોઈન્ટ્સ કેવી રીતે નીકળે છે?
તેને ઉદાહરણની સાથે સમજી શકાય છે. જેને કોઈ ટીમે 6 મેચ રમી અને તેમાંથી 3 જીતી, 1 ડ્રો રહી અને 2 હાર્યા તો તેના 333.33 ટકા થશે. જેમાંથી કુલ મેચો એટલે 6નો ભાગ અપાશે, તો (333.33/6) કુલ ટકાવારી પોઈન્ટ નિકળશે.