કુસ્તી જગતમાં હેરાન કરનારી ઘટનાઃ કોમન વેલ્થ ગેમ્સની ટ્રાયલ દરમિયાન પહેલવાને રેફરી પર હુમલો કર્યો
નવી દિલ્હી,તા.18 મે 2022,બુધવાર
કોઈ પણ રમતમાં ખેલાડીએ નિયમોનુ પાલન કરવુ અને શિસ્ત જાળવવી જરૂરી છે પણ મંગળવારે એક એવી ઘટના બની છે જેણે કુસ્તી જગતમાં ચકચાર મચાવી છે.
મળતી વિગતો પ્રમાણે કોમન વેલ્થ ગેમ્સની ટ્રાયલ દરમિયાન 125 કિલોગ્રામ કેટેગરની ફાઈનલ મેચમાં વાયુ સેનાના રેસલર સતેન્દર મલિક મેચ પૂરી થવા 18 સેકન્ડ પહેલા 3-0ના સ્કોરથી આગળ હતા. જોકે હરીફ પહેલવાન મોહીતે એક દાવમાં સતેન્દરને પછાડ્યો હતો.
આ માટે કેટલા પોઈન્ટ આપવા તેની જવાબદારી અનુભવી રેફરી જગબીર સિંહ પર આવી હતી. તેમણે ટીવી રિપ્લેની મદદથી મોહિતને 3 પોઈન્ટ આપ્યા હતા. જેના પગલે સ્કોર 3-3 થઈ ગયો હતો. મેચનો અંતિમ પોઈન્ટ મેળવવા બદલ મોહિતને વિજેતા જાહેર કરાયો હતો.
જેના પગલે રોષે ભરાયેલા સતેન્દરે રેફરી જગબીર પાસે જઈને મારામારી કરવા માંડી હતી. તેમણે રેફરીને ગાળો આપી હતી અને લાફો માર્યો હતો. જેનાથી રેફરી જમીન પર પડી ગયા હતા.
બાદમાં જગબીર સિંહે સતેન્દર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટનાના પગલે ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં હંગામો મચી ગયો હતો. સતેન્દર પર લાઈફ ટાઈમ બેન મુકવામાં આવ્યો છે.
પહેલવાન સતેન્દર હાલમાં હત્યાના આરોપમાં જેલમાં બંધ પહેલવાન સુશિલ કુમારનો ફેન છે અને તે સોશિયલ મીડિયા પર નિયમિત રીતે સુશિલ કુમારના સમર્થનમાં પોસ્ટ મુકતો હોય છે.