Paris Olympics : ક્વાર્ટર ફાઇનલમાં 1-1 હતો સ્કોર, છતાં કેમ હારી ભારતની રેસલર રીતિકા હુડ્ડા, સમજો નિયમ
Paris Olympics 2024, Wrestler Reetika Hooda: પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય રેસલર રિતિકા હુડ્ડાને મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગના ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં રિતિકાનો સામનો ટોચની રેસલર અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ વિજેતા કિર્ગિસ્તાનની એપેરી કાઇજી સામે હતો. મેચના અંત સમયે સ્કોર 1-1થી બરાબર હતો. પરંતુ છેલ્લો પોઇન્ટ એપેરી કાઇજીને આપવામાં આવતાં તે વિજેતા બનવામાં સફળ રહી હતી. રિતિકા પાસે હવે રિપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક હશે. જો કે, આ માટે એપેરી કાઇજીનું આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવું જરૂરી છે.
શું છે પેસિવિટીનો નિયમ?
ક્વાર્ટર ફાઇનલ મેચમાં રિતિકા અને એપેરી વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. બન્ને રેસલરે પેસિવિટી દ્વારા 1-1 પોઇન્ટ મેળવ્યા હતા. ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં પેસિવિટીનો ઉપયોગ મેચને આક્રમક બનાવવા માટે કરવામાં આવે છે. આવું ત્યારે કરવામાં આવે છે કે જ્યારે કોઈપણ રેસલર પહેલી બે મિનિટમાં એક પણ પોઇન્ટ ન મેળવી શક્યો હોય. આ કિસ્સામાં જે રેસલર ઓછો આક્રમક રહે છે તેને 30 સેકન્ડની અંદર એક પોઇન્ટ મેળવવો પડે છે. જો તે રેસલર 30 સેકન્ડની અંદર પોઇન્ટ ન મેળવી શકે તો વિરોધી ટીમને એક પોઇન્ટ મળી જાય છે.
રિતિકા હુડ્ડાએ પહેલા હાફમાં પેસિવિટી દ્વારા 1 પોઇન્ટ મેળવ્યો હતો. ત્યારપછી બીજા હાફમાં કિર્ગિસ્તાનની રેસલરે પેસિવિટી દ્વારા 1 પોઇન્ટ મેળવ્યો હતો. રેસલિંગના નિયમોનુસાર, જે રેસલર છેલ્લો ટેક્નિકલ પોઇન્ટ મેળવે છે તે જીતી જાય છે. આ સ્થિતિમાં છેલ્લો પોઇન્ટ કિર્ગિસ્તાનની રેસલરને મળ્યો હોવાથી, તે જીતી ગઈ હતી. રિતિકા હુડ્ડાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં હંગેરિયન રેસલર બર્નાડેટ નાગીને 12-2થી હરાવી હતી. રિતિકા ટેક્નિકલ સુપિરિયોરિટીના આધારે હારી ગઈ હતી. તમને જણાવી દઈએ કે જો કોઈ રેસલર 10 પોઇન્ટની લીડ કરી લે છે, તો મેચ ત્યાં જ પૂરી થઈ જાય છે.
ભારતે પેરિસ ઓલિમ્પિકસ 2024માં અત્યાર સુધીમાં કુલ 6 મેડલ જીત્યા છે. જેમાંથી પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુએ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ સામેલ હતો. ત્રીજો બ્રોન્ઝ મેડલ સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં જીત્યો હતો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ રેસલર અમાને પણ રેસલિંગમાં બ્રોન્ઝ જીતીને પેરિસમાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો.