WPL Auction 2024: ઓક્શનમાં થયો પૈસાનો વરસાદ, રાતોરાત આ 5 મહિલા ખેલાડીઓ થઈ માલામાલ
મુંબઈમાં WPL 2024 માટે ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
Image:Twitter |
WPL Auction 2024 : મુંબઈમાં ગઈકાલે WPL 2024 માટે ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં ભારત સહિત ઘણાં દેશની મહિલા ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈકાલે થયેલા ઓક્શનમાં કુલ 165 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટની 5 ટીમો પાસે માત્ર 30 જ સ્લોટ ખાલી હતા. આ ઓક્શનમાં ગઈકાલે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો.
ગુજરાત જાયન્ટ્સની ટીમે 1 કરોડ રૂપિયામાં લિચફિલ્ડને ખરીદી
ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન ફોએબે લિચફિલ્ડનું નામ સૌથી મોંઘી ખેલાડીઓની લીસ્ટમાં પાંચમા નંબર પર છે. આ ખેલાડીની ઉંમર માત્ર 20 વર્ષ છે. તે ડાબા હાથે બેટિંગ અને જમણા હાથે લેગ-બ્રેક બોલિંગ કરે છે. તેણે ઓક્શનમાં 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું અને ગુજરાત જાયન્ટ્સની ટીમે 1 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કરી હતી.
વૃંદા દિનેશને યુપીએ આપી આટલી રકમ
સાઉથ આફ્રિકાની ઘાતક ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલનું નામ આ લીસ્ટમાં ચોથા નંબર પર છે. ઘણી ટીમોએ તેના પર દાવ પણ લગાવ્યો હતો, પરંતુ અંતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 1.20 કરોડ રૂપિયા આપીને આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. આ લીસ્ટમાં ત્રીજા નંબર પર ભારતીય મહિલા બેટ્સમેન વૃંદા દિનેશનું નામ છે. વૃંદાની બેઝ પ્રાઈસ માત્ર 10 લાખ રૂપિયા હતી, પરંતુ યુપીએ તેને 1.30 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી હતી.
કાશવી ગૌતમે રચ્યો ઈતિહાસ
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ આ યાદીમાં બીજા નંબરે છે. તેની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા હતી, પરંતુ ઓક્શનની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે આ ખેલાડી પાછળ તમામ પ્રયાસો લગાવી દીધા હતા. દિલ્હીએ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને 2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. આ લીસ્ટમાં પહેલા નંબરે યુવા ભારતીય ઓલરાઉન્ડર કાશવી ગૌતમ છે. આ ખેલાડીની બેઝ પ્રાઈસ 10 લાખ રૂપિયા હતી, જેને ગુજરાત જાયન્ટ્સની ટીમે 2 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. આ સાથે તેણે ઈતિહાસ રચી દીધો હતો. તે સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની હતી.