WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગનું શેડ્યૂલ જાહેર, ફેબ્રુઆરીમાં શરુ થશે, 17 માર્ચે દિલ્હીમાં ફાઇનલ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમને 11-11 મેચની યજમાની મળી
Image : File Photo |
WPL 2024 Schedule : BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024)નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ટુર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગયા વર્ષની જેમ કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. જો કે આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષે આ લીગ મુંબઈ અને નવી મુંબઈના બે સ્ટેડિયમમાં રમાઈ હતી. જો કે, આ વખતે આ લીગની યજમાની મુંબઈને બદલે બેંગલુરુ અને દિલ્હીને આપવામાં આવી છે.
બેંગલુરુ અને દિલ્હીને 11-11 મેચની યજમાની મળી
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમને 11-11 મેચની યજમાની મળી છે. ટુર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુમાં થશે. આ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ ગયા વર્ષે મેગ લેનિંગની કેપ્ટન્સીવાળી દિલ્હી કેપિટલ્સને હરાવી હતી.
શરૂઆતની 11 મેચો બેંગલુરુમાં રમાશે
ટૂર્નામેન્ટની પ્રથમ 11 મેચ બેંગલુરુમાં રમાશે. આ પછી પાંચેય ટીમો દિલ્હી આવશે, જ્યાં એલિમિનેટર સહિતની ફાઇનલ મેચ રમાશે. લીગ રાઉન્ડમાં 20 મેચો રમાશે અને ત્યારબાદ એલિમિનેટર અને ફાઈનલ મેચ રમાશે. લીગ રાઉન્ડમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. જ્યારે, બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટર રમશે. 24 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહીં. દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.