VIDEO : DRSનો નિર્ણય ફરી વિવાદમાં, WPLમાં લેગ સ્પિન બોલને ગુગલી બતાવી આઉટ આપતા બબાલ
રોયલ ચેલેન્જર્સનો યુપી સામે 23 રને વિજય થયો હતો
સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ ફિફ્ટી ફટકારી હતી
Image:Social Media |
Chamari Athapaththu Controversial Dismissal : WPL 2024ની 11મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ યુપીને 23 રને હરાવ્યું હતું. આ મેચ દરમિયાન ફરી એકવાર DRS ચર્ચામાં આવ્યું છે. યુપી વોરિયર્સની બેટર ચમારી અટાપટ્ટુને અમ્પાયરે નોટઆઉટ આપ્યા બાદ તેને DRS દ્વારા આઉટ જાહેર કરવો પડ્યો હતો. DRSના આ નિર્ણય બાદ ટેક્નોલોજી પર સવાલો ઉઠી રહ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કેપ્ટન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ
યુપીની બેટર ચમારી અટાપટ્ટુને વિવાદાસ્પદ રીતે LBW આપવામાં આવી હતી. આ વિકેટ બાદ DRS ફરી પ્રશ્નના ઘેરામાં છે. આ ઘટના યુપીની બેટિંગની 7મી ઓવર દરમિયાન બની હતી. RCBના બોલર જ્યોર્જિયા વેરહેમે બોલ ફેંક્યો જે ત્રણ સ્ટમ્પ વચ્ચે પડ્યો હતો. સ્વીપ શોટનો પ્રયાસ કરતી વખતે અટાપટ્ટુ ચૂકી ગઈ. ખેલાડીઓની જોરદાર અપીલ છતાં અમ્પાયરે તેને નોટ આઉટ આપી હતી. આ પછી RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાએ DRS લીધું. બોલ ટ્રેકિંગથી જાણવા મળ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક ન હતો અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો હોવો જોઈએ. જો કે બોલ લેગ સાઇડ પર પિચ કરવામાં આવ્યો હતો અને સ્ટમ્પ મિસ થવાની શક્યતા દેખાતી હતી, પરંતુ હોકઆઈએ પુષ્ટિ કરી હતી કે બોલ સ્ટમ્પને અથડાશે. DRSને કારણે વેરહામનો લેગ સ્પિન બોલ સ્ટમ્પની વચ્ચે અથડાતો હોય તેવું લાગતું હતું. આ પછી ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો અને આઉટ આપવો પડ્યો હતો. આ જોઈને અટાપટ્ટુ સાથે બેટિંગ કરી રહેલી ટીમની કેપ્ટન એલિસા હીલી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અટાપટ્ટુની વિકેટ
અટાપટ્ટુની વિકેટ યુપીની ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને ત્યારબાદ એક પછી એક ટીમની વિકેટો પડતી રહી, જેના પરિણામે યુપીનો પરાજય થયો. યુપીની કેપ્ટન એલિસા હીલી ટીમની ટોપ સ્કોરર રહી હતી. તેણે 55 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્મા (33 રન) અને પૂનમ ખેમનરે (31 રન) ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ આઉટ થઈ ગયા હતા. 199 રનના ટાર્ગેટના જવાબમાં યુપીની ટીમ 20 ઓવર રમીને માત્ર 175 રન જ બનાવી શકી હતી.
મંધાના અને પેરીએ ફટકારી ફિફ્ટી
પ્રથમ બેટિંગ કરતા RCBએ 198 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાનું યોગદાન સૌથી વધુ હતું. તેણે 50 બોલમાં 80 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. મંધાના સિવાય એલિસ પેરીએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા.