વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડે તળિયેથી માર્યો કૂદકો, જાણો ભારતનો ક્રમ
World Test Championship: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ (ENG vs WI) વચ્ચેની શ્રેણીમાં ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ મેચમાં 200થી વધારે રનના માર્જિન સાથે જીત્યું. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનના (World Test Championship) પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો છે. ભારતને જો કે આ ફેરફારથી કોઈ ફરક પડે એમ નથી.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટેસ્ટ ક્રિકેટ રમતી ટોપ 9 ટીમો વચ્ચે બે વર્ષ સુધી રમાય છે. હાલ ભારત તેમાં ટોપ પર છે અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. બે વર્ષ સુધી રમાતી બાયલેટરલ સીરિઝના આધારે પોઈન્ટ અપાય છે. અગાઉ પ્રથમ WTCમાં ન્યૂઝીલેન્ડ અને બીજી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું. બંનેની ફાઇનલમાં ભારત રનર અપ રહ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-0થી આગળ નીકળ્યું છે. હવે શ્રેણીની આખરી મેચ બર્મિંગહમમાં રમાશે. ઈંગ્લેન્ડને હજુ 10 ટેસ્ટ મેચ રમવાની છે. WTCના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ 9માંથી 6ઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આ સાથે તેની પાસે હજુ તક છે કે તે આગામી મેચો જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવી શકે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ છેલ્લા 9માં સ્થાને પહોંચી ગયું છે. ઇંગ્લેન્ડે 2023-25માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સાયકલમાં 12 મેચ રમીને 5 મેચ જીત્યું છે. 6 ટેસ્ટ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડના પોઈન્ટ 45 અને 31.25 ટકા છે. વેસ્ટ ઈન્ડિઝ અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચોમાં એક જ મેચ જીતી શક્યું છે. બાકીના 4માં હાર અને એક ટેસ્ટ ડ્રો થઈ હતી.
લોર્ડસમાં ફાઇનલ
આવતા વર્ષે લોર્ડસ ખાતે WTC ફાઇનલ રમાશે. હાલના સંજોગોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં પહોંચવાની શક્યતા સૌથી પ્રબળ છે.